Andaman and Nicobar Islands News | ભારત સરકારે જેના મોટે ઉપાડે શ્રીગણેશ કર્યા છે એવો ‘ધે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ વિવાદોમાં સપડાયો છે. પર્યાવરણવાદી કાર્યકર્તાઓ પ્રોજેક્ટના વિરોધમાં મેદાને પડયા છે, તો વિપક્ષને સત્તાધારી પાર્ટી સામે લડવાનું વધુ એક બહાનું મળી ગયું છે. ‘ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ એ ભારતના આંદામાન સમુદ્રમાં આવેલા ‘ગ્રેટ નિકોબાર’ ટાપુના દક્ષિણ છેડા પર પ્રાસ્તાવિક મેગા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ગણાય છે.
72000 કરોડ રૂપિયાના આ મેગા પ્રોજેક્ટની સંકલ્પના ભારતના વિકાસ માટે કાર્યરત સરકારી સંસ્થા ‘નીતિ આયોગ’ (નેશનલ ઈન્સ્ટિટયુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) દ્વારા રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ‘આંદામાન અને નિકોબાર ટાપુઓ સંકલિત વિકાસ નિગમ’ (ANIIDCO – આંદામાન ઍન્ડ નિકોબાર આઇલેન્ડ્સ ઇન્ટિગ્રેડેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સંરક્ષણ, લોજિસ્ટિક્સ, વાણિજ્ય અને ઉદ્યોગો, ઇકો-ટૂરિઝમ, કોસ્ટલ ટુરિઝમ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જેવા મહત્ત્વપૂર્ણ પાસાં આવરી લેવાયા છે.
પ્રોજેક્ટ અંતર્ગત ચાર મોટા બાંધકામો થવાના છે, જેમાં ‘ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ’, ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (જેનો ઉપયોગ સૈન્ય અને નાગરિકો બંને દ્વારા કરવામાં આવશે), 16610 હેક્ટરમાં ફેલાયેલો ‘ગેસ અને સોલર પાવર પ્લાન્ટ’ અને 3 લાખ લોકો રહી શકે એવા બે શહેરોના બાંધકામનો સમાવેશ થાય છે. હાલમાં ગ્રેટ નિકોબાર ટાપુની કેમ્પબેલ ખાડી પર ભારતીય નૌસેનાનો બેઝ કાર્યરત છે, જે ગ્રેેટ નિકોબાર ટાપુને હવાઈ માર્ગે કાર નિકોબાર અને પોર્ટ બ્લેર એર બેઝ સાથે જોડે છે.
આ ટાપુ નજીકથી પસાર થતો દરિયાઈ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક ગણાય છે, માટે ભારત સરકાર વ્યાપારી હેતુઓ માટે માર્ગ અને ટાપુનો ઉપયોગ કરવા માંગે છે. આ ઉપરાંત લશ્કરી વ્યૂહાત્મક હેતુઓ માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
શું છે વિરોધનું કારણ
ભારતના ‘પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય’ના નિષ્ણાતોની સમિતિએ આ પ્રોજેક્ટને કારણે થનારા પર્યાવરણીય જોખમો અને એ જોખમોને હળવા કરતી વ્યૂહરચનાઓને ધ્યાનમાં લીધા બાદ નવેમ્બર ૨૦૨૨માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પ્રોજેક્ટની જાહેરાત થતાં જ પર્યાવરણને જાળવવા માટે કાર્યરત સંસ્થાઓએ વિરોધ કરવા માંડયો હતો. વિરોધના એકથી વધુ કારણો છે, જેમ કે..
પર્યાવરણી : દુષ્પ્રભાવ
આ મેગા પ્રોજેક્ટ બનાવવા માટે ગ્રેટ નિકોબાર ટાપુ પર 20 લાખથી વધારે વૃક્ષોનો ભોગ લેવાશે. ચાર મોટા પ્રોજેક્ટને બનાવવા 244 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ટાપુનો 130 ચોરસ કિલોમીટર જેટલો ભાગ વનવિહોણો કરવાની જરૂર પડશે. આજે જ્યારે ધરતીનું તાપમાન સતત વધતું જઈ રહ્યું છે, ઊનાળા પ્રતિ વર્ષ વધુ ને વધુ આકરા થઈ રહ્યા છે ત્યારે અહીં વિકાસના નામે 20 લાખ વૃક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવે, એ કેટલી હદે બુદ્ધિગમ્ય નિર્ણય છે?
વાત ફક્ત વર્ષાજંગલોના નિકંદનની જ નથી. 20 લાખ વૃક્ષોના જંગલમાં વસતાં લાખો-કરોડો જીવ પોતાનું રહેઠાણ ગુમાવશે. એમાંના ઘણાં પક્ષીઓ, પ્રાણીઓ અને કીટકો તો દુર્લભ કક્ષાના છે. બેઘર થયેલા એ જીવો પૈકી કેટલા અન્યત્ર વસવાટ કરીને અનુકૂલન સાધી શકશે, એ મોટો પ્રશ્ન છે. હજારો પ્રજાતિના લાખો-કરોડો વન્યજીવોનો આ સામૂહિક સંહાર કંઈ જેવું તેવું પર્યાવરણીય નુકસાન નથી. માટે જ પર્યાવરણવાદી કાર્યકર્તાઓ આ પ્રોજેક્ટને ‘ઇકોસાઇડ’ (પ્રાકૃતિક સંપદાનો સામૂહિક નાશ) ગણાવીને એની સામે મેદાને પડયા છે.
દુર્લભ જીવો પર જોખમ
ગ્રેટ નિકોબાર ટાપુ વિવિધ પ્રકારના જીવોનું ઘર છે, જેમાંના મોટાભાગના એન્ડેન્જર્ડ સ્પીસીસ (અસ્તિત્વ ગુમાવવાને આરે પહોંચી ગયેલી લુપ્તપ્રાય પ્રજાતિઓ) છે. જેમ કે, પૃથ્વી પરના સૌથી જૂના જીવિત પ્રાણીઓમાંની એક પ્રજાતિ ગણાતા વિશાળ કદના ‘લેધરબેક કાચબા’, ‘નિકોબાર ક્રેક’ અને ‘નિકોબાર મેગાપોડ’ જેવા પક્ષીઓ, સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા મેન્ગ્રોવ્સ અને સમુદ્રી પરવાળા. ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત કરાયેલા આ જીવોનો જ હવે સરકાર વિકાસના નામે કચ્ચરઘાણ કાઢવા જઈ રહી છે!
આદિવાસી સમૂહોના અસ્તિત્ત્વને પણ જોખમ
ગ્રેટ નિકોબાર ટાપુ ‘શોમ્પેન’ અને ‘નિકોબેરીસ’ જેવા આદિવાસી સમુદાયોનું ઘર પણ છે. શોમ્પેન આદિવાસીઓની સંખ્યા તો હવે ઘટીને ફક્ત 250 રહી ગઈ છે. બાહ્ય જગત સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન રાખતા આ સંવેદનશીલ આદિવાસી જૂથના અસ્તિત્વ સામે પણ આ પ્રોજેક્ટને કારણે જોખમ સર્જાયું છે.
વસતીવધારો નોંતરી લાવશે પ્રદૂષણ
ગ્રેટ નિકોબાર ટાપુ પર હાલમાં માત્ર 8000 લોકો જ રહે છે. સરકારની યોજના બે મોટા શહેર બાંધીને 300000 લોકોને ત્યાં વસાવવાની છે. જરા વિચાર કરો કે, જો આ પ્રોજેક્ટ બની પણ જાય તો ફક્ત એકવારનું નુકસાન નથી થવાનું. 3 લાખ લોકોના વસવાટથી ત્યાંના પ્રાકૃતિક સંસાધનોનો સતત ઉપયોગ થશે જે નિરંતર પ્રદૂષણમાં પરિણમશે. લાખો લોકોના સમૂહના કારણે ફક્ત એક ગ્રેટ નિકોબાર ટાપુ જ નહીં આસપાસના દૂર સુધીના પર્યાવરણની પણ ખો નીકળી જશે.
અહીં તોતિંગ ઈમારતોને ભૂકંપનું જોખમ
એકથી વધારે કારણોસર પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટનો પૂરજોર વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણમાં અસંતુલન તો ખરું જ, પણ આદિવાસીઓ સાથે થયેલી છેતરપિંડી પણ પર્યાવરણવાદીઓને ખૂંચી રહી છે. કાર્યકરોએ સરકાર પર ખુલ્લેઆમ છેતરપિંડીનો આક્ષેપ કરતાં કહ્યું છે કે 2004 ની સુનામી પછી સરકાર દ્વારા સ્થાનિક આદિવાસી સમૂહોને સલામત સ્થળે પુનર્વસન વસાહતો બાંધી આપવામાં આવી હતી. હવે સરકાર આ સમૂહોને એમના મૂળ સ્થાને પાછા ફરવાથી રોકી રહી છે, કેમ કે સરકાર એમના મૂળ વસવાટક્ષેત્રનો ઉપયોગ આ પ્રોજેક્ટ માટે કરવા માંગે છે. કાર્યકરોના મતે આ હળાહળ અન્યાય અને છેતરપિંડી છે.
વધુમાં એમણે દાવો કર્યો છે કે નિકોબાર ટાપુ પર ધરતીકંપનું જોખમ ખૂબ વધારે છે. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ ઝોનમાં આવે છે. રિંગ ઓફ ફાયર એટલે ધરતીકંપ માટેનો સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર. દુનિયામાં થતાં કુલ ધરતીકંપો પૈકીના નેવુ ટકા ધરતીકંપ આ રિંગ ઓફ ફાયર ઝોનમાં જ થતા હોય છે. એ હિસાબે જોઈએ તો ગ્રેટ નિકોબાર ટાપુ પર તોતિંગ બાંધકામો કરવા જોખમી છે. ભવિષ્યમાં જો અહીં ધરતીકંપ થયો તો જાનમાલનું ભયંકર નુકશાન થઈ શકે એમ છે. માટે જ પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટને સરકારની મૂર્ખાઈ અને ટૂંકી દ્રષ્ટિનો નમૂનો ગણાવીને એને ‘ડિઝાસ્ટર કેપિટાલિઝમ’ (આપત્તિ મૂડીવાદ)નું નામ આપી રહ્યા છે.
પ્રોજેક્ટની સંપૂર્ણ સમીક્ષાની રાજકીય માગ
મોદી સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ‘ગ્રેટ નિકોબાર ટાપુનો સર્વાંગી વિકાસ’ ગણાવી રહી છે ત્યારે વિરોધ પક્ષો સામાછેડાની પિપૂડી વગાડવા લાગ્યા છે. પર્યાવરણને થનાર ભયંકર નુકસાનની દુહાઈ દઈને કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) જેવી પાર્ટીઓ એનો જોરશોરથી વિરોધ કરી રહી છે. પ્રોજેક્ટનો વિરોધ કરતા જૂથો સાથે મળીને વિપક્ષે પ્રોજેક્ટ માટે અત્યાર સુધી આપવામાં આવેલી તમામ મંજૂરીને તાત્કાલિક સ્થગિત કરવાની અને ‘વરસાદી જંગલો’, ‘પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ’ અને ‘લુપ્તપ્રાય જનજાતિઓના કુદરતી વસવાટ’ને જોખમમાં મૂકતા આ પ્રોજેક્ટની સંપૂર્ણ સમીક્ષા કરવાની માંગ કરી છે.
જીવસૃષ્ટિના સ્વર્ગ ગણાતા ‘ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ’ પર પણ જોખમ
‘ગ્રેટ નિકોબાર ટાપુ’ પર બે મોટા નેશનલ પાર્ક આવેલા છે. ઉત્તરે ‘કેમ્પબેલ બ નેશનલ પાર્ક’ અને દક્ષિણ ભાગમાં ‘ગાલાથિઆ નેશનલ પાર્ક’. આ બંને નેશનલ પાર્કને આવરી લેતા વિશાળ હિસ્સામાં ફૂલેલી ફાલેલી જૈવિક વિવિધતાને જાળવી રાખવા માટે ૧૯૮૯માં અહીં ‘ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ’ની રચના કરાઈ હતી. 885 ચોરસ કિ.મી.નો વિસ્તાર યુનેસ્કો દ્વારા સુરક્ષિત છે અને એના દુર્લભ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો અને વન્યસૃષ્ટિને કારણે વિખ્યાત છે.
ઘટાટોપ વૃક્ષોથી આચ્છાદિત આ બાયોસ્ફિયર રિઝર્ર્વમાં લગભગ ૮૫ ટકા જંગલ હજુ પણ માનવસ્પર્શ પામ્યું નથી. પુષ્કળ વાનસ્પતિક વૈવિધ્ય ધરાવતી અહીંની પ્રજાતિઓમાં રુદ્રાક્ષના વૃક્ષો અને ઓર્કિડના દુર્લભ ફૂલોનો પણ સમાવેશ થાય છે. પ્રાણીસૃષ્ટિની વાત કરીએ તો આ રિઝર્વમાં ક્રેબ ઈટિંગ મકાક (કરચલા ખાતા વાંદરા), ખારા પાણીના મગર, વિશાળ લેધરબેક ટર્ટલ અને મલયન બોક્સ ટર્ટલ (કાચબા), નિકોબાર ટ્રી થુ્ર, નિકોબાર મેગાપોડ, વિશાળ રોબર ક્રેબ (કરચલા), રેટિક્યુલેટેડ પાયથન (અજગર), આંદામાન વાઇલ્ડ પિગ (ડુક્કર), પામ સિવેટ, ફ્રુટ બેટ (ફળ-ફૂલ ખાતાં ચામાચિડિયા), નિકોબાર કબૂતર, સફેદ પેટવાળા સી-ઇગલ, નિકોબાર સર્પન્ટ ઇગલ, નિકોબાર પેરાકીટ્સ, વોટર મોનિટર લિઝાર્ડ (વિશાળકાય ગરોળી) વગેરેનો સમાવેશ થાય છે.
આટલી વૈવિધ્યપૂર્ણ અને દુર્લભ જીવસૃષ્ટિની રક્ષા કાજે 2013માં યુનેસ્કોએ આ વિસ્તારને ‘મેન એન્ડ બાયોસ્ફિયર’ (સ્છમ્) પ્રોગ્રામની યાદીમાં આવરી લીધો હતો. આ પ્રોગ્રામ હેઠળ સ્થાનિકોની મદદથી તેમજ સાઉન્ડ સાયન્સને ધ્યાનમાં રાખીને પર્યાવરણ સૃષ્ટિને જાળવવાના પ્રયાસ કરાય છે.
બાયોસ્ફિયર રિઝર્વ શું છે, તેનું મહત્ત્વ શું છે
બાયોસ્ફિયર રિઝર્વ (મ્ઇ) એટલે જે-તે સ્થળે અસ્તિત્વ ધરાવતાં વન્યજીવો, વનસ્પતિ, જમીન અને/અથવા જળાશય તથા એમના સંસર્ગમાં રહેલા સમગ્ર પર્યાવરણ સાથેની ઇકોસિસ્ટમ. અનોખી અને દુર્લભ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવતા સ્થળોને સુરક્ષિત રાખવા માટે વૈશ્વિક સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા જે-તે વિસ્તારને ‘બાયોસ્ફિયર રિઝર્વ’ની યાદીમાં સ્થાન અપાય છે. બાયોસ્ફિયર રિઝર્વ અંતર્ગત ઇકોસિસ્ટમ સંરક્ષણ યોજનામાં પર્યાવરણ-પ્રણાલીઓમાં થતા ફેરફારો અને ક્રિયા-પ્રતિક્રિયાઓ વિષયક સંશોધન, શિક્ષણ તથા સંવર્ધનને પ્રોત્સાહન આપવામાં આવે છે. એમાં ‘કુદરતી સંસાધનોના બુદ્ધિગમ્ય ઉપયોગ’ પર ભાર મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ નદીમાં થતી માછલી અથવા જંગલી વૃક્ષોના લાકડાંનો માણસો દ્વારા ઉપયોગ કરાતો હોય તો એ ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી સ્થાનિક ઇકોસિસ્ટમને ઓછામાં ઓછું નુકસાન થાય.
આમ, બાયોસ્ફિયર રિઝર્વને માનવ અને કુદરત વચ્ચેના સંઘર્ષનું નિવારણ-માધ્યમ કહી શકાય. પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને જીવતાં શીખવાડતાં બાયોસ્ફિયર રિઝર્વ વૈશ્વિક પડકારોનો સ્થાનિક ઉકેલ પૂરો પાડે છે. બાયોસ્ફિયર રિઝર્વમાં જમીની, સમુદ્રી અને સમુદ્રી કાંઠાની ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે. કોઈપણ દેશની સરકાર એમના હસ્તક આવતાં વિશિષ્ટ પર્યાવરણીય પ્રદેશને બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવા તેનું નામ યુનેસ્કો સમક્ષ રજૂ કરી શકે છે. યુનેસ્કો દ્વારા જે-તે વિસ્તારને બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરાતા એને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે છે.
બાયોસ્ફિયર રિઝર્વમાં ત્રણ ઝોન હોય છે :
(૧) કોર ઝોન : આ ઝોનમાં કોઈ માનવીય પ્રવૃત્તિની પરવાનગી નથી હોતી. આ ઝોન સંપૂર્ણપણે કુદરત માટે અનામત રાખવાનો હોય છે.
(૨) બફર ઝોન : કોર ઝોનને ચોતરફથી આવરી લેતો ઝોન બફર ઝોન ગણાય છે. આ ઝોનમાં પ્રશિક્ષિત કર્મચારીઓ અને સંશોધકો દ્વારા સંશોધન અને પ્રયોગો કરી શકાય છે. આ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરવા માટે મર્યાદિત પ્રવેશની પરવાનગી હોય છે.
(૩) ટ્રાન્ઝિશન ઝોન (મુક્ત ક્ષેત્ર) : આ ઝોન બાયોસ્ફિયર રિઝર્વનો સૌથી બહારનો વિસ્તાર હોય છે, જેમાં માનવ વસાહતો સ્થાપી શકાય છે, પ્રવાસનની છૂટ હોય છે અને એ સંસાધનો એકત્ર કરવા માટે ખુલ્લો હોય છે.
૧૯૭૧થી યુનેસ્કો દ્વારા સ્છમ્ પ્રોગ્રામ વિશ્વભરમાં ચલાવાઈ રહ્યો છે. એના થકી આખી દુનિયામાં ફેલાયેલા બાયોસ્ફિયર રિઝર્વનું નેટવર્ક બનાવાયું છે, જે પરસ્પર જ્ઞાાન, અનુભવો અને સંશોધનોના પરિણામોનું આદાનપ્રદાન કરીને સ્છમ્ પ્રોગ્રામને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે.
નિકોબારના વન્યજીવન પર વધુ એક જોખમ
નિકોબાર ટાપુના વન્યવૈભવ પર વિદેશી આક્રમણખોરોનો ખતરો તો છે જ. પાડોશી દેશોના શિકારીઓ વારંવાર આ વિસ્તારમાં ઘૂસણખોરી કરે છે. તેઓ મુખ્યત્વે સી કુકુમ્બર (દરિયાઈ કાકડી) કહેવાતા દરિયાઈ જીવનો શિકાર કરે છે અને સ્વિફ્ટલેટ પક્ષીના માળા ચોરી જાય છે. આ બંને ચીજોની ખાદ્ય પદાર્થ તરીકે ખૂબ માંગ છે. આ ઉપરાંત તેઓ મગર, કાચબા અને અન્ય વન્યજીવોનો શિકાર પણ કરતા હોય છે. શિકારીઓ આધુનિક હથિયારો અને હાઇ સ્પિડ બોટનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે વન વિભાગના સંરક્ષણ કર્મચારીઓ હાઇ સ્પિડ વાહનો અને સંદેશાવ્યવહારની સુવિધાઓની અછતને કારણે શિકારીઓને પકડી શકતા નથી.
વન્યજીવોને માટે આવા અનિશ્ચિત માહોલમાં હવે ભારત સરકાર પણ વિકાસના નામે ‘ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ જેવો પ્રોજેક્ટ શરૂ કરે તો નિકોબાર ટાપુની જીવસૃષ્ટિ ગંભીરપણે જોખમાય એમ છે.