Cancer Treatment: મેડિકલ સાયન્સે હરણફાળ ભરતાં કેન્સરને હરાવવું હવે સહેજપણ મુશ્કેલ રહ્યું નથી અને કેન્સર એટલે કેન્સલ તેવી માન્યતા પણ ભૂંસાવવા લાગી છે. પરંતુ કેન્સરની સારવારમાં ઝડપી સારવાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ 67 ટકા દર્દીઓ ત્રીજા-ચોથા સ્ટેજમાં સારવાર માટે આવતા હોય છે.
કેન્સરની ઝડપી સારવાર શરૂ કરાવવામાં આવે તેમ સાજા થવાની સંભાવના વધી જાય છે : ડૉક્ટરો
ગુજરાતમાં 2018થી 2022 એમ પાંચ વર્ષમાં 1.91 લાખથી વઘુ લોકોના કેન્સરથી મૃત્યુ થયેલા છે. કેન્સરથી મૃત્યુ થવાના મોટાભાગના કેસમાં મોડેથી નિદાન અથવા વિલંબ બાદ એટલે કે ત્રીજા-ચોથા સ્ટેજમાં સારવાર શરૂ કરાવવી જવાબદાર હોય છે.
કેન્સરના કેસમાં પુરુષોમાં 21.5 ટકાને મોંઢાનું-11.5 ટકાને જીભનું-8.1 ટકાને ફેફસાનું-3.5 ટકાને પ્રોસ્ટેટનું કેન્સર થતું હોય છે. મહિલાઓની વાત કરવામાં આવે તો અંદાજે 31.2 ટકાને સ્તનનું-9.3 ટકાને સર્વિક્સ-5.6 ટકાને ઓવરીનું-5 ટકાને મોંઢાનું જ્યારે 4.4 ટકાને જીભનું કેન્સર થાય છે.
કેન્સરની સારવાર ઝડપી શરૂ કરાવવામાં આવે તો તેને હરાવવાની સંભાવના વધી જાય છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં આવેલી કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘કેન્સર સામેની લડાઇમાં જાગૃતિ-સકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. પુરુષોએ ખાસ કરીને મોંઢા-જીભની ચકાસણી કરીને ચાંદી જેવું કંઇ છે કે કેમ તેની જ્યારે મહિલાઓએ સમયાંતરે સ્તનની ચકાસણી કરી કોઇ ગાંઠ છે કે તેમ તેની ચકાસણી કરતાં રહેવું જોઇએ. કેન્સરની સારવાર જેમ ઝડપી શરૂ કરાવવામાં આવે તેમ તેને હરાવવાની સંભાવના પણ વધી જાય છે.’
આ પણ વાંચો: 107 પાલિકાની તિજોરી ખાલીખમ, કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા, કોણ કરી ગયું કંગાળ?