ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર
પાટણના બાલીસણાનો યુવાન અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેર આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ
વધી રહી છે ત્યારે ગઈકાલે ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર ખોરજ બ્રિજ પાસે બાઈક લઈને
પસાર થઈ રહેલા પાટણના બાલીસણાના યુવાનને અજાણ્યો વાહનચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો
હતો. જે ગંભીર અકસ્માતના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના હાઇવે માર્ગો હાલ અકસ્માત
ઝોન બની ગયા છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ગઈકાલે
બપોરે ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર ખોરજ બ્રિજ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનનું
હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે અમદાવાદના ચાણક્યપુરી ખાતે રહેતા અને મૂળ પાટણના બાલીસણા ગામના વતની
શંભુભાઈ અખાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે તેઓ નોકરી ઉપર હતા તે સમયે બાલીસણા ખાતે
રહેતા કુટુંબી ભાઈ અંકિતભાઈ ગેમરભાઇ રબારીએ ફોન કરીને કહ્યું હતું કે, આપણા કાનજીભાઈ
મોહનભાઈ રબારીનો દીકરો નિકુલ બાલીસણાથી અમદાવાદ પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો તે
દરમિયાન ગાંધીનગરથી વૈષ્ણોદેવી જવાના રોડ ઉપર ખોરજ બ્રીજ પાસે કોઈ અજાણ્યા વાહન
ચાલકે તેના બાઇકને અડફેટ લીધું હતું અને નિકુલને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી
અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેથી શંભુભાઈ તેમના ભાઈ સાથે સોલા
સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબે નિકુલને મૃત જાહેર
કર્યો હતો. જેના પગલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદના
આધારે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.