વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે,એક મહિના પછી હાઇકોર્ટમાં સંમતિથી ફરિયાદ રદ્દ કરવા માટે પિટિશન દાખલ થતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ કેસમાં આરોપીને પકડવા તેમજ પુરાવાઓ એકત્રિત કરવા માટે કરેલી દોડધામ પાણીમાં ગઇ છે.
શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતી ક્લિનિકમાં નોકરી કરે છે. ધો.૧૨ પછી તેણે અભ્યાસ છોડી દીધો હતો. માર્ચ – ૨૦૧૪ માં તે પ્રથમ વખત વાડી સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગઇ હતી. વર્ષ – ૨૦૧૬ માં યુવતીના પિતા જગત પાવનદાસ ( જે.પી.સ્વામી) સ્વામીના પરિચયમાં આવ્યા હતા. જ્યારે તેના પિતા સાથે મંદિરમાં દર્શન કરવા તરૃણી જતી ત્યારે જગત પાવનદાસ સ્વામી તેની સામે જોયા કરતા હતા.
જે.પી.સ્વામીએ તરૃણી ને મંદિરમાં બોલાવી કહ્યું કે, રાતે પોણા નવ વાગ્યે આરતી થશે. તે સમયે તું મંદિરના નીચેના રૃમમાં આવીને તારી ગિફ્ટ રિસ્ટ વોચ લઇ જજે. સ્વામીના કહેવા મુજબ, તા. ૧૦ – ૦૯ – ૨૦૧૬ ના રોજ તરૃણી રૃમમાં ગઇ ત્યારે ત્યાં અંધારૃં હતું. જે.પી.સ્વામી તરૃણીને હાથ પકડી રૃમમાં અંદર ખેંચી ગયા હતા. તેમણે રૃમનું બારણું બંધ કરી દઇ લાઇટો ચાલુ કરી હતી. સ્વામીએ તરૃણીના કપડા ઉતારી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે તરૃણીની ઉંમર ૧૪ વર્ષ અને ૧૧ મહિનાની હતી.
સ્વામી અવાર – નવાર વીડિયો કોલ કરતા હતા તેમની જીદ્દના કારણે તરૃણીએ તેઓને ન્યૂડ ફોટા અને વીડિયો મોકલ્યા હતા. ત્યારબાદ જે.પી.સ્વામી એવી ધમકી આપતા હતા કે, તું મારી સાથે વાત નહીં કરે તો તારા ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરી દઇશ. વાડી પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળતી માહિતી મુજબ, આ ચકચારભર્યા કેસમાં સંમતિથી ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઇ છે. આ કેસમાં પીડિતાએ કોર્ટ સમક્ષ સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન પણ નોંધાવ્યું હતું.