Jamnagar News : જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે રાતે આઠેક વાગ્યાના અરસામાં હોટેલ કલાતીત પાછળ આવેલી 11 કે.વી. હેવી વિજ લાઇનની સ્વીચ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કાપી નાખવામાં આવી હતી, જેના કારણે પાછળના આ વિસ્તારમાં પાવર સપ્લાય બંધ થયો હતો. જેમેની જાણકારી મળતા વિચ કચેરીની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને સલામતી ખાતર અન્ય સ્ટાફ, કચેરી સાથે કન્ફર્મેશન મેળવી લઈ ફરી વિજ લાઇન અને સ્વીચ વગેરેની મરામત પછી વિજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં હોટેલ કલાતીત પાછળના ભાગમાં આવેલ 11 કે.વી ત્રણ બત્તી ફીડરની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે, જ્યાં રાતના આશરે 8 વાગ્યા આસપાસ દુકાનો બંધ હતી તે સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ 11 કે.વી. લાઈનની સ્વીચ કાપી નાખવામાં આવી હતી. જેથી સેન્ટ્રલ ઝોન વિભાગમાં પાવર બંધ થયાની ફરિયાદ મળતાં તાત્કાલિક સ્થળ પર ટેકનીકલ ટીમ પહોંચી હતી.
જ્યાં 11 કે.વીની સ્વીચ કપાયેલી જોતાં સબ સ્ટેશન તથા એચ.ટી. વિભાગમાં પૂછપરછ હાથ ધરવામાં આવી. પરંતુ કોઈ વિજ તંત્રના સ્ટાફ દ્વારા આ સ્વીચ ઓપરેટ કરેલી હોય તેવું ધ્યાનમાં આવ્યું ન હતું, તેથી કોઈ અકસ્માત ન થાય તે માટે આસપાસના વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગ કરી તપાસ હાથ ધરીને આ 11 કે.વીના સ્વીચ કોન્ટેક્ટ ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ બધી કાર્યવાહી દરમ્યાન આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહયો હતો, જેમાં જજ બંગલો તથા એસ.પી. બંગલો તથા જજ ક્વાર્ટર તથા અંબર ચોકડી વિસ્તારમાં આવલાં પેટ્રોલ પંપ વગેરે જગ્યાનો સમાવેશ થાય છે. જેથી આ 11 કે.વી સ્વીચ બાબતે હજુ પણ પી.જી.વી.સી.એલ.ના સ્ટાફ માટે રહસ્યનો વિષય રહ્યો છે.