M S Univesity Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત સ્થાનિક વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના જક્કી વલણના કારણે હવે પ્રવેશની આશા ગુમાવી ચૂકયા છે. જોકે વડોદરાના સંગઠન વડોદરા સિટિઝન્સ ફોરમે આ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો ચાલુ રાખીને આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા.
એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ સભ્યો અને નાગરિકોએ આ મુદ્દે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા અને 40 ટકા સુધીના વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે માંગણી કરી હતી. સિટિઝન ફોરમના સભ્યોએ કહ્યું હતું કે, વડોદરાના ધારાસભ્યો અને સાસંદે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી આપેલી ગેરંટી સાવ પોકળ પૂરવાર થઈ છે. વડોદરાના ધારાસભ્યો અને સાંસદને વડોદરાની પ્રજા માફ નહીં કરે. બીકોમ જેવા કોર્સમાં અભ્યાસ કરવા માટે પણ વડોદરાના વિદ્યાર્થીઓ એક-એક લાખ રૂપિયા ફી ભરીને ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવા માટે મજબૂર બન્યા છે.
આંદોલનમાં સામેલ પૂર્વ સેનેટ સભ્યે કહ્યું હતું કે, કોમર્સમાં જો વાઈસ ચાન્સેલર 1400 બેઠકો વધારી શકે તો બીજા વિદ્યાર્થીઓને કેમ પ્રવેશ ના આપી શકે? કોમન એકટ અને જીકાસ પોર્ટલના નામે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને કોમર્સના ડીન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપના નેતાઓની ખાનગી કોલેજોને ફાયદો કરાવવા માટે બેઠકો નહીં વધારવાનો કારસો રચવામાં આવ્યો છે. આજે પણ વાઈસ ચાન્સેલર હાજર નથી તેવો અમને જવાબ મળ્યો છે.
– ઈન્ફ્રાસ્ટ્રકચર જ નથી, પીઆરઓના સૂર પણ બદલાઈ ગયા
એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓના સૂર પણ બદલાઈ ગયા છે. પ્રવેશ મુદ્દે રજૂઆત કરનારાઓને પીઆરઓ(ઓએસડી)એ જવાબ આપ્યો હતો કે, સરકારનો કોમન એકટ લાગુ થઈ ગયો છે અને યુનિવર્સિટી પાસે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ભણાવી શકાય તેવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. આમ પીઆરઓના જવાબથી સંકેત મળી ગયો હતો કે, વાઈસ ચાન્સેલર વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નથી માંગતા. ઉલ્લેખનીય છે કે, વડોદરાના વિદ્યાર્થીઓ માટે 58 ટકાએ પ્રવેશ અટકેલો છે. કોમર્સમાં લગભગ 6100 એડમિશન અત્યાર સુધી થયા છે.