Image : IANS (File pic)
Gujarat News: રાજ્યમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ વર્ષે નવી શરૂ થનારી 11 ટેકનિકલ કોલેજોની ફી મંજૂર કરી જાહેર કરવામા આવી છે. જેમાં 35 હજારથી 1.05 લાખ જેટલી ફી મંજૂર કરાઈ છે. નવી કોલેજોની ફી જાહેર કરી દેવાઈ પરંતુ ગત વર્ષની પેન્ડિંગ એવી 100થી વઘુ કોલેજોની બાકી ફી કમિટીએ નવા પ્રવેશ થયા બાદ પણ હજુ જાહેર કરી નથી. દરમિયાન કેટલીક કોલેજોએ વાલીઓએ પાસેથી નવી ફી મુજબ ફી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે.
સરકારની ટેકનિકલ કોર્સીસની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવું ફી માળખુ નક્કી કરવામા આવે છે. ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી, એમબીએ,એમસીએ, હોટલ મેનેજમેન્ટ, આર્કિટેકચર, એમ.ઈ,એમ.ફાર્મ સહિતના 10થી વઘુ ટેકનિકલ કોર્સીસની ખાનગી કોલેજો-યુનિ.ઓની ગત વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા કરાઈ હતી. હાલ 600થી વઘુ ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ છે.જેમાં ગત વર્ષે પ્રક્રિયા દરમિયાન પાંચ ટકાથી વઘુ ફી વધારો માંગ્યો હોય તેવી 100થી વઘુ કોલેજોની ફી જાહેર કરાઈ ન હતી.
નવા નિયમો મુજબ આ કોલેજોમાં ઈન્સપેકશન બાદ ફી નક્કી થનાર હોઈ બાકી રખાઈ હતી.પરંતુ એક વર્ષથી વઘુ સમય થઈ ગયો છે અને આ વર્ષના પણ નવા પ્રવેશ થઈ ગયા છે ત્યારે હજુ સુધી આ કોલેજોની ફી જાહેર થઈ નથી.પરંતુ મળતી માહિતી મુજબ કેટલીક ખાનગી કોલેજોએ ફી કમિટીએ ફી જાહેર કરી ન હોવા છતાં વાલીઓ પાસેથી ફી વધારો માંગ્યો છે.પ્રવેશ સમયે વિદ્યાર્થીઓે જુની ફી મુજબ પ્રવેશ લીધા છે પરંતુ હવે નવી ફીમાં વાર્ષિક 10થી20 હજાર સુધી વાલીએ ફી વધારો આપવો પડશે.
જ્યારે કમિટીના સભ્યનું કહેવુ છે હજુ સુધી ફી જાહેર કરાઈ નથી.બેથીત્રણ દિવસમાં જાહેર કરી દેવાશે. આમ કમિટીએ ફી જાહેર કરી નથી તો કોલેજો કઈ રીતે વાલી પાસેથી વધારો માંગી શકે.શું કમિટી દ્વારા કોલેજોને નવી ફીના ઓર્ડર મોકલી દેવામા આવ્યા છે?100થી વઘુ કોલેજોએ પાંચ ટકા વધારો માંગ્યો છે પરંતુ અગાઉ કોરોનાના 3 વર્ષના રેગ્યુલર પાંચ ટકા સાથે 10 ટકાથી વઘુ ફી વધારો થશે.
જુની 100થી વઘુ કોલેજોની નવી વધારા સાથેની ફી હજુ જાહેર થઈ નથી ત્યારે ફી કમિટી દ્વારા આ વર્ષે નવી શરૂ થનારી 11 ટેકનિકલ કોલેજોની એડહોક ફી નક્કી કરી જાહેર કરી દેવાઈ છે. જેમાં એમબીએની ચાર, એમસીએની બે, ડિપ્લોમા ઈજનેરીની બે, ડિગ્રી ઈજનેરીની ત્રણ કોલેજો છે.કેટલીક નવી કોલેજો છે અને કેટલીક હયાત યુનિ.ઓ-સંસ્થાઓમાં નવા કોર્સ છે.વાપીની પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા નવા શરૂ કરાયેલા બી.ટેક કોર્સમાં સૌથી વઘુ 2.59 લાખ ફી માંગવામા આવી હતી.જેની સામે કમિટીએ 75 હજાર ફી મંજૂર કરી છે.11 કોલેજોની 35 હજારથી 1.05 લાખ ફી નક્કી થઈ છે.વડોદરાની એમ. એસ. યુનિ. દ્વારા શરૂ કરાયેલા બી.ટેક કોર્સમાં 1.05 લાખ ફી નક્કી કરાઈ છે.
આ પણ વાંચો :
આજે ‘વિશ્વ સાપ દિવસ’ : ગુજરાતમાં દર મહિને 505થી વઘુ વ્યક્તિને કરડે છે સાપ
ગુજરાતમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
વિકાસના નામે વિનાશ નીતિ? 20 લાખ વૃક્ષોનું નિકંદન કઢાશે