– ખેડૂતવાસના યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
– પત્નીના કપડાં લેવા જતા યુવાનને બે શખ્સે મારા માર્યો
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખેડૂતવાસ, શીતળા માતાજીના મંદિર પાસે રહેતા પંકજભાઈ ઉર્ફે ગંડો રમેશભાઈ વેગડના પત્ની રેખાબેનને બે દિવસ પહેલા ઈશ્વર ગોરધનભાઈ વાજા (રહે, ખેડૂતવાસ) સાથે બોલાચાલી-ઝઘડો થયો હતો. આ બાબતની દાઝ રાખી ગઈકાલે પંકજભાઈ વેગડ મચ્છીબજારમાં તેમના પત્ની રેખાબેનના કપડાં લેવા માટે ગયા હતા. તે દરમિયાન ઈશ્વર ગોરધનભાઈ વાજા અને જય ઉર્ફે બુચી મુકેશભાઈ રાઠોડ નામના શખ્સોએ પંકજભાઈને ગાળો આપી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ સંદર્ભે પંકજભાઈ ઉર્ફે ગંડો રમેશભાઈ વેગડે ઈશ્વર ગોરધનભાઈ વાજા અને જય ઉર્ફે બુચી મુકેશભાઈ રાઠોડ નામના શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.