સુરેન્દ્રનગર : પાટડી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા દંપતિના ઘર પર એક નાનો બાળક પથ્થરોના ઘા કરતો હતો. આથી દંપતિએ આ બાબતે તેને પિતાને બાળકને ઠપકો આપવાનું કહેતા બાળકના પિતા તેમજ ભાઇએ દંપતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
પાટડીના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઇ દેવજીભાઇ મકવાણામા મકાન પર બળદેવભાઇ જયંતિભાઇ પાટડીયાનો દિકરો પથ્થરોના ઘા કરતો હતો .
આથી પ્રેમજીભાઇના પત્નિ બળદેવભાઇને ઘરે ગયા હતાં અને બાળકને ઠપકો આપવાનું કહ્યું હતું જે બાબતનું મનદુઃખ રાખી બળદેવભાઇ જયંતીભાઇ પાટડીયા અને જીગ્નેશભાઇ બળદેવભાઇ પાટડીયા પ્રેમજીભાઇના ઘરે ધસી આવી બેફામ ગાળો બોલવા લાગતા પ્રેમજીભાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બળદેવભાઇએ લાકડાના ભાઠા વડે પ્રેમજીભાઇને માર માર્યો હતો .
તેમજ પ્રેમજીભાઇને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નિને પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી પિતા પુત્ર ત્યાંથી ચાલ્યા ગયાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પ્રેમજીભાઇને સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પ્રેમજીભાઇએ પાટડી પોલીસ મથકે બળદેવભાઇ જયંતીભાઇ પાટડીયા અને જીગ્નેશભાઇ બળદેવભાઇ પાટડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.