ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે
સોમવારે વાતાવરણમાં પલટો આવતા ઘણા દિવસના વિરામ બાદ મેઘરાજાની મહેર થઈ હતી. વરસાદી
માહોલ છવાઈ જવાના કારણે શહેર અને જિલ્લાના
વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેની અસર અનુભવવા મળી રહી હતી. ત્યારે ભારે
ઉકળાટ બાદ સોમવારે બપોરના સમયે પાટનગર અને જિલ્લાના આકાશમાં વાદળો આવી ચડયા હતા
અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાટનગરમાં બે ઇંચથી
વધુ વરસાદ ખાબક્યો હતો.
સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની
મોસમનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ
રહ્યો છે. આ વાતાવરણની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે પ્રકારે
ગાંધીનગર દહેગામ સહિત કલોલ અને માણસામાં મોસમનો પ્રથમ વરસાદ થોડા દિવસ અગાઉ પડયો હતો. તો
બીજી તરફ રાજ્યના પાટનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ હાથતાળી આપીને પસાર થઈ રહ્યો
હોય તે પ્રકારે વરસતો ન હતો. ત્યારે સોમવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં પાટનગરના આકાશમાં
કાળા ડિબાંગ વાદળો આવી ચડયા હતા અને ઠંડા પવન ફૂંકાતા નગરજનોએ પણ અસહ્ય ઉકળાટમાંથી
રાહત મેળવી હતી.ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં વધઘટ નોંધાવા પામી
છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો તો ઘણા વિસ્તારમાં ઝરમર
વરસાદ પડયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.મહત્તમ
તાપમાન 32.8 ડિગ્રી આવીને અટક્યો છે. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં વધારો નોંધાતા શહેર
અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. ભેજના
પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ગાંધીનગર
શહેર અને જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.આમ
આગાહી પણ સાચી ઠરી હોય તે પ્રકારે શહેર અને જિલ્લામાં બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો
તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હોય તેવા વાતાવરણ વચ્ચે લોકોએ ગરમી અને ઉકળાટમાંથી
રાહત મેળવી છે.
બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા નગરજનોએ
થોડી ઠંડક પ્રાપ્ત કરી છે.તો શહેર અને જિલ્લામાં વાદળો છવાયા બાદ ઘણા વિસ્તારમાં ધોધમાર
વરસાદ પડયો હતો. ગાંધીનગર શહેર અને જિલ્લાના આકાશમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં
પણ ખુશાલી વ્યાપી છે. રાજ્યના પાટનગરમાં દિવસ દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ ગાંધીનગર અને દહેગામ તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.જ્યારે માણસા અને
કલોલમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.તેની અસર સોમવારે સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી
હતી.
ખોદકામના લીધે ઘણા સેક્ટરમાં પાણી ભરાયા
રાજ્યના પાટનગરમાં તંત્ર દ્વારા પાણી અને ગટર લાઈન નાખવાની
કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોદકામ કરવામાં આવતા ઘણા સેક્ટરોમાં યોગ્ય
પુરાણ કરવામાં નહીં આવતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. યોગ્ય રીતે નિકાલ થઈ શકે તેવી
વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી
બની જવા પામી છે.