નાસતા – ભાગતા અંતિમ આરોપીને પણ પોલીસે દબોચી લીધો
એક અઠવાડિયાના રીમાન્ડ દરમિયાન આરોપીઓની આકરી પૂછતાછ થશેઃ હત્યાના બનાવ સાથે સંકળાયેલી અન્ય વિગતો બહાર આવશે
પોરબંદર: પોરબંદરમાં જિલ્લા પોલીસવડાની કચેરી નજીક શનિવારે રાત્રે બુટલેગરની તેર શખ્સોએ કરપીણહત્યા કરી હતી. તે બનાવમાં અગાઉ બાર આરોપી પકડાઇ ગયા બાદ અંતિમ આરોપીને પણ પોલીસે પકડી પાડયો હતો. એક યુવાન ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે તેથી અન્ય બારને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા તા. ૨૩-૭ સુધીના એટલે કે એક અઠવાડિયાના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોરબંદરના સાગર ઉર્ફે ડબલુ મુળજી મોતીવરસની શનિવારે રાત્રે પેરેડાઇઝ દ્વ્રારા નજીક કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવમાં તેર જેટલા શખ્સો અનીલ ધનજીભાઇ વાંદરીયા, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરીયા, યશ ઉર્ફે વાયપી અશોક પાંજરી, પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઇ ચૌહાણ, રાહુલ ઉર્ફે લાલો મનસુખભાઇ ચામડીયા, કેનિક ધીરજભાઇ શેરાજી, આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખભાઇ ગોહેલ, હીરેન જુંગી, ખુશાલ વિનોદભાઇ જુંગી, પવન ઉર્ફે પપ્પુ નરેશભાઇ પરમાર, આશીર્ષ ઉર્ફે ટકો, કુશ કીરીટભાઇ જુંગી અને કેવલ મસાણી દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ અને પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરીને નાશી છૂટેલા બાર આરોપીઓને પકડી પાડયા હતા જ્યારે એક આરોપી મારામારીમાં ઘવાયો હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પકડાયેલા બાર આરોપીઓને પોરબંદરની કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં તમામ આરોપીઓના તા. ૨૩-૭ સુધીના એટલે કે સાત દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ રીમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તમામની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવશે અને હત્યાના આ બનાવ અંગે બીજી વિગતો બહાર લાવવા માટે કાર્યવાહી થશે.
પરિવારજનો ઉપર પણ હુમલાની દહેશત દર્શાવાઇ
પોરબંદરના ખારવાવાડમાં રહેતા બુટલેગર સાગર મુળજી મોતીવરસની કરપીણ હત્યા કરી નાખ્યા બાદ હવે તેના પરિવારજનોએ પણ તેમના ઉપર હુમલો થાય. તેવી દહેશત દર્શાવી છે. તેઓએ કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને જણાવ્યું હતું કે, કેટલાક યુવાનો બાઇક લઇને રાત્રિના સમયે જોરથી હોર્ન વગાડીને તેમના ઘર પાસે આવ્યા હતા. અને બૂમો પાડતા હતા. એટલું જ નહીં. પરંતુ સાગરે સોનાનો ચેન પહેર્યો હતો તે અને તેના મોબાઇલ પણ ગુમ થઇ ગયા છે. આથી લૂંટની ફરિયાદ પોલીસે લીધી નથી. તેમ જણાવીને લૂંટની કલમ ઉમેરવા માંગ કરી હતી. જો ન્યાય નહીં મળે તો તેઓ ઝેરી દવા આપીને આપઘાત કરી લેશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તેવી આ ચેતવણી આપી હતી.