હિંદુ ધર્મમાં ભગવાન ભોલેનાથની પૂજા
માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે, આ દરમિયાન ભક્તો
પોતાના ઘરમાં તેમજ જુદા જુદા મંદિરોમાં જઇને શિવજીની પૂજા અર્ચના કરે છે. જેનાથી
ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે.
ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે
સંકળાયેલા મંદિરોની જેમ, પંચતત્ત્વ પર આધારિત તે 5 શિવાલયો ખૂબ
મહત્વના માનવામાં આવે છે, જેના માત્ર દર્શનથી જ શિવભક્તની સૌથી
મોટી ઈચ્છાઓ આંખના પલકારામાં પૂરી થઈ જાય છે. જાણીએ ક્યાં છે આ 5 પવિત્ર સ્થાનો જે
શિવની કૃપા વરસાવે છે અને તેમની પૂજાનું ધાર્મિક મહત્વ શું છે.
એકમ્બરનાથ મંદિર (પૃથ્વી તત્વ)
પૃથ્વી તત્વ પર આધારિત ભગવાન શિવનું આ
ચમત્કારિક મંદિર તમિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર દેશના
10 સૌથી મોટા મંદિરોમાંનું એક છે જે 23 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આંબાના ઝાડ
નીચે સ્થાપિત આ શિવલિંગ વિશે એવી માન્યતા છે કે, તેના દર્શન કરવાથી શિવ ભક્તની
તમામ પરેશાનીઓ અને ચિંતાઓ દૂર થઈ જાય છે. જલાભિષેક કરવાને બદલે એકમ્બરનાથ શિવલિંગ
પર છંટકાવ કરવાની પરંપરા છે.
જંબુકેશ્વર મંદિર (જળ તત્વ)
ત્રિચિરાપલ્લી સ્થિત જંબુકેશ્વર
મંદિરને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે. . ભગવાન ભોલેનાથનું આ મંદિર પણ લગભગ
18 એકરના ખૂબ મોટા વિસ્તારમાં બનેલું છે. મંદિરના આદરણીય શિવલિંગને સ્થાનિક લોકો
અપ્પુ લિંગમ તરીકે પૂજે છે, જેનો અર્થ થાય છે જળ લિંગઆ મંદિર વિશે
એવી માન્યતા છે કે, એક સમયે માતા પાર્વતીએ પાણીમાંથી શિવલિંગ બહાર કાઢીને મહાદેવની
પૂજા કરી હતી.
અરુણાચલેશ્વર મંદિર (અગ્નિ તત્વ)
તમિલનાડુના તિરુવન્નામલાઈમાં સ્થિત આ
મંદિરમાં ભગવાન શિવની અગ્નિ તત્વના રૂપમાં પૂજા કરવામાં આવે છે. અરુણાચલેશ્વર
મંદિરમાં સ્થાપિત શિવલિંગ લગભગ ત્રણ ફૂટ ઊંચું છે. દક્ષિણ ભારતના આ શિવ મંદિરમાં
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. હિંદુ માન્યતા અનુસાર આ મંદિરમાં મહાદેવના દર્શન અને પૂજા કરવાથી
શિવભક્તના જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને તેને અપાર ઊર્જા મળે છે
કાલહસ્તીશ્વર મંદિર (વાયુ તત્વ)
વાયુ તત્વ પર આધારિત ભગવાન શિવનું આ મંદિર
આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના કાલા હસ્તી વિસ્તારમાં આવેલું છે. શિવભક્તો ઊંચી
ટેકરી પર બનેલા ભગવાન શિવના આ મંદિરને દક્ષિણનું કૈલાસ કહે છે. કાલહસ્તીશ્વર
મંદિરની અંદરના પૂજનીય શિવલિંગની ઊંચાઈ લગભગ ચાર ફૂટ છે. આ શિવલિંગને વાયુ લિંગ
અથવા કર્પુર લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિવલિંગ પર ન તો જળ ચઢાવવામાં આવે
છે અને ન તો તેને સ્પર્શ કરવામાં આવે છે.
નટરાજ મંદિર (આકાશ તત્વ)
આકાશ તત્વ પર આધારિત ભગવાન શિવનું
મંદિર તમિલનાડુના ચિદમ્બરમ શહેરમાં આવેલું છે. દક્ષિણ ભારતનું આ મંદિર થિલાઈ નટરાજ
મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં ભગવાન શિવની નૃત્ય કરતી મૂર્તિ
જોઈ શકાય છે. પાંચ તત્વો પર આધારિત મંદિરોમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં લિંગને બદલે ભગવાન શિવની મૂર્તિ અથવા તેના ભૌતિક સ્વરૂપની પૂજા
કરવામાં આવે છે.