– કોંગ્રેસ અગ્રણીઓએ ટી.ડી.ઓ.ને આવેદન પાઠવ્યુ
– કાટીકડામાં જર્જરીત રૃમમાં બાળકોને બેસાડવામાં આવે છે, શાસકો દ્વારા કિન્નાખોરી રખાતી હોવાનો આક્ષેપ
મહુવા તાલુકાના અનેક ગામો અને સરપંચો રાજકીય કિન્નાખોરીનો ભોગ બને છે ભાજપ વિરોધી ગામોના કામમાં કિન્નાખોરી રખાય છે શાસકોના ઈશારે એ ગામના વિકાસના કામના બીલ મંજુર કરાતા નથી. તાલુકામાં અનેક ગામો છેલ્લા ઘણા સમયથી સરપંચ વગરના છે જેથી ત્યાં વહિવટદારો પણ એવા ગામોમાં વિકાસના કામો થતા નથી. તેમજ મહુવામાં ભવાની મંદિર રોડ પર પ્લાન્ટેશનમાં આવેલ પ્રાથમિક શાળાએ જવા એક જ બસ શરૃ હોય સંખ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને હેરાનગતિ વેઠવી પડે છે તેથી આ બસ દ્વારા બેથી ત્રણ ફેરા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સરળતા રહે તેમ છે. હાલ આ બસ બંધ હોવાથી બંદર પ્લોટ, ખારા સહિતના પરા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને નાછુટકે પગપાળા ચાલીને આવવુ પડે છે. આ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે જેથી વાલીઓમાં પણ ભયનો માહોલ રહે છે. મહુવા તાલુકાના અનેક ગામોની શાળાઓ ઓરડા વગરની છે અથવા જર્જરીત હાલતમાં છે. જેના લીધે બાળકોને મેદાનમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડે છે.ચોમાસામાં આવી શાળા અને તેના વિદ્યાર્થીઓની હાલત અત્યંત દયનીય છે. નવા ઓરડા બનાવવા અને ચોમાસુ છે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૃરી છે. મહુવા પંથકને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે એ.આઈ.સી.સી.ના ડેલીગેટ વિજયભાઈ બારૈયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ મકવાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મીલનભાઈ જોષી સહિતના પ્રતિનિધિમંડળ દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે.