– ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો
– ચારેક દિવસના વિરામ બાદ વરસાદનું પૂનઃ આગમન, ખેડૂતોમાં હાશકારો
સોમવારે પડેલા વરસાદના તાલુકાવાર આંકડા જોઇએ તો સાંજના ૬ વાગ્યા સુધીમાં કઠલાલમાં ૯ મીમી, મહેમદાવાદમાં ૩૨ મીમી, ખેડા ૩ મીમી, માતરમાં ૧૬ મીમી, નડિયાદમાં ૨૮ મીમી, મહુધા ૧૦ મીમી, ઠાસરા ૬ મીમી, ગળતેશ્વર ૩૪ મીમી, વસો ૩૬ મીમી અને કપડવંજમાં નહીવત વરસાદ નોંધાયો છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયુ હતુ અને સોમવારની મધરાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ થોડા સમય બંધ રહે અને ફરી પાછો વરસી રહ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લામા સાર્વત્રિક વરસાદ ખાબક્યો હોય, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હજુ પણ ડાંગરના પાકને અનુરૂપ વરસાદ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નડિયાદમાં બપોરે ૧૨થી ૩ના સમય ગાળામાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન શહેર કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.
સામાન્ય રીતે ગત વર્ષના ૧૫ જુલાઈ, ૨૦૨૩ના દિવસના વરસાદના આંકડા જોતા તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ખૂબ સારો વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, તેની સાપેક્ષે ચાલુ વર્ષે તાલુકાના વરસાદી આંકડાની સરખામણી કરતા અનેક તાલુકાઓમાં ચોથા ભાગનો પણ વરસાદ પડયો નથી.
તો નડિયાદ જેવા તાલુકામાં તો ગયા વર્ષની સાપેક્ષે ૧૦માં ભાગનો પણ વરસાદ નોંધાયો નથી. જેના કારણે આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હોવાનું જણાઈ રહ્યુ છે.