back to top
Homeમુંબઈમુંબઇનું ગગન વરસે છે અનરાધાર : આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ

મુંબઇનું ગગન વરસે છે અનરાધાર : આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ

આજ દિવસ સુધીમાં 48 ઇંચ વરસાદ

 પશ્ચિમનાં પરાંમાં ચોધાર વરસાદ : કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાંડોતૂર વરસાદ 

મુંબઇ :    હવામાન વિભાગે  આજે  એવો  સંકેત  આપ્યો છે કે  મુંબઇ સહિત મહારાષ્ટ્રનું ગગન અનરાધાર વરસી રહ્યું છે. ખાસ કરીને આજે ૧૫,જુલાઇએ એક કરતાં વધુ કુદરતી પરિબળો અતિ સક્રિય થયાં હોવાથી મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ જાર કરવામાં આવી હતી. 

હજી આવતા ૨૪ કલાક (૧૬,જુલાઇ)માટે  પણ મુંબઇ માટે ઓરેન્જ  એલર્ટ જારી કરવામાં આવી છે.જ્યારે ૧૭થી ૧૯,જુલાઇ દરમિયાન મુંબઇમાં મુશળધાર વરસાદ (યલો એલર્ટ)વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને  એવી માહિતી  આપી હતી કે આજે સવારે મુંબઇનાં પશ્ચિમનાં પરાં દહિંસર, બોરીવલી, કાંદિવલી, મલાડ,રામ મંદિરથી લઇને અંધેરી અને  બાંદ્રા સુધી ચોધાર વરસ્યો હતો. જ્યારે પૂર્વનાં પરાં માટુંગા,ભાયખલા, ચેમ્બુરમાં પણ સંતોષકારક વર્ષા થઇ હતી. જોકે બપોર બાદ વરસાદી જોર ઘટયું હતું. 

બીજીબાજુ કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં અને મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, સાતારા,કોલ્હાપુરમાં પણ ભારે તોફાની વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.  

હાલ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીના સમુદ્ર કિનારા સુધીના ગગનમાં ઓફ્ફશોર ટ્રફ(વાતાવરણમાં દબાણ ઘટી જવું) સર્જાયો છે.સાથોસાથ આ જ વિસ્તારના આકાશમાં ૩.૧ થી ૭.૬ કિલોમીટરના અંતરે શિયરઝોન(બે વિરુદ્ધ દિશાના પવનો ટક્કર થવી)ની પણ  ભારે અસર છે. ઉપરાંત, હાલ બંગાળના ઉપસાગર ઉપરના ગગનમાં  લો –પ્રેશર(હવાના હળવા દબાણનો પટ્ટો ઃ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાય અને સાયક્લોન સર્જાય તે પરિબળ નહીં) પણ સર્જાયું છે. બંગાળના અખાતમાં સર્જાયેલા આ પરિબળની ભારે અસરથી ચોમાસુ અતિ તીવ્ર બન્યું   હોવાથી મુંબઇમાં પણ શ્રીકાર વર્ષા થઇ રહ્યો છે.

આવાં તમામ કુદરતી પરિબળો સાનુકુળ બન્યાં છે.સાથોસાથ તીવ્ર પણ બન્યાં છે. પરિણામે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં રસતરબોળ વરસાદનો માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ૨૪ કલાક (૧૬,જુલાઇ) માટે નજીકનાં થાણે અને પાલઘરમાં પણ અનરાધાર વર્ષા થવાની સંભાવના હોવાથી આ બંને શહેર માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જ્યારે ૧૭થી ૧૯, જુલાઇ દરમિયાન થાણે અને પાલઘરમાં ભારે વરસાદ(યલો એલર્ટ)ની આગાહી છે.

સાથોસાથ આવતીકાલે ૧૬,જુલાઇએ  કોંકણનાં રાયગઢ અને રત્નાગિરિમાં પણ ગાંડોતૂર વરસાદ વરસે એવાં તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં હોવાથી આ બંને સ્થળો માટે રેડ એલર્ટ જારી કરવામાં  આવી છે.ઉપરાંત, ૧૭થી ૧૯,જુલાઇ દરમિયાન રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગમાં શ્રીકાર વર્ષા (યલો એલર્ટ) થવાની સંભાવના છે. 

ઉપરાંત, આ જ દિવસો દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, સાતારા,કોલ્હાપુરમાં પણ ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવી સંભાવના છે.

આજે  કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૦ અને લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી ,જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૮.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૦ –૮૬ ટકા ,જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૨ –૯૨ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું. 

આજે કોલાબામાં રાતના  ૮ –૩૦ સુધીમાં ૨૧.૬ મિલિમીટર, જ્યારે સાંતાક્રૂઝમાં ૪૮.૦ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આજ દિવસ સુધીમાં કોલાબામાં ૧૧૬૯.૮ મિ.મિ.(૪૬.૭૯ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૧૨૧૩.૪(૪૮.૫૩ ઇંચ) વરસાદ નોંધાયો છે.

આજે કોંકણનાં ચીપલુણમાં ૨૪૦ મિલિમીટર, વાકવલી –૨૨૦, ખેડ –૨૧૦, માંદનગઢ  -૨૧૦, મહાડ -૧૯૦, વાડા -૧૯૦, દેવગઢ-૧૭૦, કર્જત –૧૧૦, પનવેલ –૧૧૦, લોનાવલા – ૨૦૦, ત્ર્યંબકેશ્વર –૮૦ મિલિમીટર જેટલો અતિ ભારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments