વડોદરાઃ વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય અને વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના સ્વાગતમાં આજે એક રોડ શો યોજવામાં આવ્યો હતો.હાર્દિક પંડયાની એક ઝલક મેળવવા માટે અભૂતપૂર્વ માનવ મહેરામણ રોડ શોના રુટ પર ઉમટી પડયો હતો.
વડોદરાના એમજીરોડ અને ન્યાય મંદિર વિસ્તારના દ્રશ્યોએ તાજેતરમાં ટીમ ઈન્ડિયાના સ્વાગતમાં મુંબઈમાં મરિન ડ્રાઈવ વિસ્તારમાં યોજાયેલા રોડ શોની યાદ તાજી કરાવી દીધી હતી.કદાચ રોડ શો નુ આયોજન કરનારાઓને અને ખુદ હાર્દિક પંડયાને પણ આટલી જનમેદની ઉમટી પડશે તેવી કલ્પના નહીં હોય.
મળતી વિગતો પ્રમાણે રોડ શો માટે ખુલ્લી ડબલ ડેકર બસ મંગાવવામાં આવી હતી.જેને હાર્દિક પંડયાના ફોટોગ્રાફથી સજાવવામાં આવી હતી.હાર્દિક પંડયાએ આ ડબલ ડેકર બસ પર સવાર થઈને રોડ શોમાં ભાગ લીધો હતો.હાર્દિકની સાથે તેનો ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડયા પણ પોતાના પરિવાર સાથે જોડાયો હતો.
માંડવી ખાતેથી રોડ શોની શરુઆત થઈ ત્યારે પગ મુકવાની જગ્યા ના મળે તેવી ગીર્દી જોવા મળી હતી.ક્રિકેટ ચાહકોએ હાર્દિક..હાર્દિકના નારા સાથે અને તિરંગા લહેરાવીને ચાર દરવાજા વિસ્તાર ગજવી દીધો હતો.હાર્દિકના રોડ શોના સમગ્ર રુટ પર તેને અભિનંદન આપતા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.હાર્દિકે પણ બસ પર ઉભા રહીને લોકોના અભિવાદન બદલ સતત પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.માંડવીથી ન્યાય મંદિર અને દાંડિયા બજાર થઈને અકોટા ઓવરબ્રિજ સુધીના રોડ શોના રુટ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.રસ્તાની બંને તરફની ઈમારતોની ગેલેરીઓ તેમજ અગાસીઓ પર જ્યાં જગ્યા મળી ત્યાં લોકો હાર્દિક પંડયાને જોવા માટે ઉભેલા નજરે પડયા હતા.
હાર્દિકે ઓટોગ્રાફ સાથેના બોલ ચાહકો તરફ ફેંક્યા
રોડ શો એક કલાક મોડો શરુ થયો ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ અટવાઈ
હાર્દિકના ડુપ્લિકેટ સાથે સેલ્ફી લેવા પડાપડી, હાર્દિકના નિવાસ સ્થાન પર પણ હજારો લોકોની ભીડ
હાર્દિક પંડયા અને તેનો ભાઈ કૃણાલ પંડયા મુંબઈથી બપોરે એરપોર્ટ પર આવ્યા હતા અને વડોદરા ખાતેના તેમના નિવાસ સ્થાન પર ગયા હતા.સોસાયટીઓના લોકોએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.હાર્દિક પંડયાને જોવા માટે અહીંયા પણ સેંકડો લોકો ભેગા થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો.
હાર્દિક પંડયા અને કૃણાલ પંડયા સાંજે માંડવી ખાતે રોડ શો માટે એક કલાક મોડા પહોચ્યા હતા.હાર્દિક જાતે કાર ચલાવીને પહોંચ્યો હતો.ભીડ એટલી હતી કે, કારમાંથી ડબલ ડેકર બસ સુધી હાર્દિકને પહોંચાડવામાં આયોજકોને પરસેવો છૂટી ગયો હતો
એમજી રોડ પર ઉમટેલા જનસૈલાબ વચ્ચે એક તબક્કે એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને લોકોએ તેને રસ્તો આપ્યો હતો.એમ્બ્યુલન્સ માંડ માંડ નીકળી શકી હતી.
રોડ શોના પ્રારંભ વખતે એક તબક્કે આયોજકોની ટીમના કેટલાક સભ્યો અને રોડ શોમાં હાજર કેટલાક લોકો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
હાર્દિકે રોડ શો દરમિયાન ઓટોગ્રાફ સાથેના બોલ ચાહકો તરફ ફેંક્યા હતા.જેને લેવા માટે લોકો એક બીજાની ઉપર કુદયા હતા.
ભારે ભીડમાં હાર્દિકના ડુપ્લિકેટ યુવાને પણ ધ્યાન ખેંચ્યુ હતુ.લોકોએ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.
રોડ શો જ્યાં જ્યાંથી આગળ વધતો હતો તે વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.સોમવારના કારણે દુકાનો ઘણી દુકાનો બંધ હોવા છતા વાહનોના પાર્કિંગમાં તકલીફ પડી હતી.
મારી પાસે આભાર માનવા શબ્દો નથી, હાર્દિકનું ગુજરાતીમાં સંબોધન
રોડ શોના સમાપન સમયે હાર્દિકે રોડ શોનુ આયોજન કરનાર ટીમ રિવોલ્યુશન અને પોલીસ તંત્રનો આભાર માનીને વડોદરાવાસીઓને ગુજરાતમાં સંબોધન કર્યુ હતુ.હાર્દિકે કહ્યુ હતુ કે, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.તમારા પ્રેમનો હું ખુબ આદર કરુ છું.આ સાચા અર્થમાં વડોદરાનો મિજાજ છે.તમામ વડોદરાવાસીઓને મારા તરફથી ખૂબ ખૂબ પ્રેમ…હાર્દિકના ગુજરાતી સંબોધનને પણ હજારો લોકોએ ચિચિયારીઓથી વધાવી લીધુ હતુ.