– વાડીના શેઢેથી માટી લેવા બાબતે બે પક્ષ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું
– સામા પક્ષે પ્રૌઢ પણ ઈજાગ્રસ્ત, બન્ને પક્ષે પિતા-પુત્રો, મૃતક સહિત 6 સામે પોલીસ ફરિયાદ
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જેસર તાલુકાના રાણીગામમાં રહેતા રઘુભાઈ જીવકુભાઈ ઉર્ફે બાબભાઈ કામળિયા(ઉ.વ.૨૧) ગઈકાલે રવિવારે બપોરના સમયે તેમની વાડીમાં પાણી ભરાતું હોવાથી પાણીના નિકાલ માટે જે.સી.બી.થી આર.સી.સી.રોડ પાસેની દિવાલને અડીને આવેલી માટી ખોદાવતા હતા. તે દરમિયાન બાજુમાં વાડી ધરાવતો મામીયા ભગતભાઈ ગીડ નામના શખ્સે કુહાડી લઈ આવી માટી કાઢવાની ના પાડી પગના ભાગે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતોે. જેથી યુવાને તેના કાકા પ્રતાપભાઈ એભલભાઈ કામળિયાને ફોન કરી બોલાવતા તેઓ વાડીએ આવી રહ્યા હતા. આ સમયે મામિયાના પુત્રો અશ્વિન ગીડ, રઘુ ગીડ અને દેવશી ભગતભાઈ ગીડ નામના શખ્સોએ હાથમાં કુહાડી, ધારિયુ અને પાઈપ લઈ પ્રતાપભાઈ કામળિયાને રસ્તામાં ઉભા રાખી પકડી રાખી માથાના ભાગે કુહાડીના ત્રણ ઘા અને પગના ભાગે પાઈપ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી યુવાનને ગાળો દઈ જાનથી મારી નાંખવા હતી. જ્યારે ગંભીર ઈજા પામેલા પ્રતાપભાઈને ગારિયાધાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની બિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત થતાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્ત રઘુભાઈ જીવકુભાઈ ઉર્ફે બાબભાઈ કામળિયા (ઉ.વ.૨૧)એ મામીયા ભગતભાઈ ગીડ, અશ્વિન મામીયાભાઈ ગીડ, રઘુ મામીયાભાઈ ગીડ અને દેવશી ભગતભાઈ ભીડ સામે જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામે પક્ષે મામીયાભાઈ ભગતભાઈ ગીડ (ઉ.વ.૫૯)એ રાણીગામમાં રહેતા રઘુ બાબુભાઈ કામળિયા અને તેના કાકા (મૃતક) પ્રતાપભાઈ એભલભાઈ કામળિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની વાડીના શેઢે રસ્તો બનાવેલ હોય અને આર.સી.સી.ની દિવાલ બનાવેલ હોય, જેમાં રઘુ કામળિયા જેસીબીવાળા પાસે ખોદાવી માટી તેમની વાડીમાં લઈ જઈ પાળો બનાવતો હતો. આથી તેને દિવાલ પાસેથી માટી લેવાની ના કહેતા રઘુએ ઝપાઝપી તેમજ પ્રતાપભાઈએ કુહાડી અને લાકડી વડે માર માર મારી ઈજા કરી હતી. જે બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી બન્ને પક્ષની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.