વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના વાઘોડિયા તાલુકાના અલવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહેલા જ વરસાદમાં પાણી ફરી વળતાં દર્દીઓ પરેશાન થયા હતા.
વડોદરા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.અનેક જૂના આરોગ્ય કેન્દ્રો તોડીને નવા બનાવવામાં પણ આવતા હોય છે તેમજ સાધનોની પણ ખરીદી કરવામાં આવતી હોય છે.તાજેતરમાં જ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બે એમ્બ્યુલન્સનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લોકર્પણ કરવામાં આવ્યું હતું.
દરમિયાનમાં વાઘોડિયા તાલુકાના અલવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જૂના બિલ્ડિંગને કારણે પહેલા જ વરસાદમાં પાણી ભરાઇ જતાં દર્દીઓ અને સ્ટાફને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,ચારેક મહિના પહેલાં જ અલવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે.પરંતુ તેમાં પહેલા જ વરસાદમાં ગ્રામજનો અને સ્ટાફને વરવો અનુભવ થયો છે.જૂના બિલ્ડિંગમાં કેન્દ્ર શરૃ કરાતાં વરસાદને કારણે બિલ્ડિંગના રૃમો પાણી થી તરબોળ થઇ ગયા છે.આગામી સમયમાં વરસાદ વધુ પડે અને રોગચાળાની સ્થિતિ આવે તો આ આરોગ્ય કેન્દ્ર માત્ર નામનું જ રહી જશે તેમ લાગી રહ્યું છે.