image : Freepik
Monsoon Season Vadodara : વડોદરા શહેર જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થયાને દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં હજી ઠંડક થાય એવો વરસાદ ક્યારેય નોંધાયો નથી. કડાકા-ભડાકા સાથે ગત બપોરે 12 વાગ્યાના સુમારે જોરદાર પડેલા 10 મીમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ સાંજે ફરી ઉકળાટ શરૂ થયો હતો. જ્યારે આજે સવારે ભારે વરસાદની આગાહી હતી પરંતુ વરસાદ નહીં પડતા વધુ ઉકળાટ અને બફારો ચાલુ રહ્યો હતો.
આ સાથે શહેરમાં સિઝનનો કુલ વરસાદ 8.5 ઇંચ (207 મીમી) નોંધાવા સહિત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કરજણ તાલુકામાં 275 મીમી (11 ઇંચ) નોંધાયો હતો. છેલ્લા ત્રણેક દિવસથી શહેરમાં અવાર-નવાર વરસાદી છાંટાના કારણે વિવિધ વિસ્તારમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી હજી ઓસર્યા નથી. પરિણામે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડવા સાથે માત્ર કાગળ પર જોવા મળી છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી નદીઓ વરસાદ છતાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પાણીજન્ય રોગચાળાથી ભય ફેલાવવા સહિત સહિત મચ્છરના ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે સવારથી જ વાદળીયું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું હતું. ઝરમર વરસાદથી માત્ર રોડ રસ્તા ભીના થયા હતા. જોકે શહેરભરમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર કસરત કરી રહ્યું છે. જિલ્લાના સાવલી ખાતે છેલ્લા 24 કલાકમાં 33 મીમી વરસાદ પડતા કુલ 105 મીમી થયો છે. આવી જ રીતે વાઘોડિયામાં 29 મીમી (કુલ 183 મીમી), સહિત ડભોઇમાં 37 (કુલ 267 મીમી), જ્યારે કરજણ ખાતે 45 મીમી (કુલ 275મીમી) અને શિનોરમાં 67 મીમી સહિત ડેસર ખાતે ૨૩ મીમી વરસાદ સાથે મોસમનો કુલ 133 મીમી નોંધાયો હતો. જોકે શહેરના વિવિધ વિસ્તારમાં ડોહળા પાણી આવવાની ફરિયાદ આજે પણ યથાવત રહી હતી અને કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીની પણ ફરિયાદો ઉઠી હતી.