Surat News : સુરતના સીચન ખાતે આવેલું સરકારી અનાજનું ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે. આજે સચિન ખાતે ગંદા અને ગંધાતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ચોમાસામાં પાણી ટપકતું ગોડાઉનમાંથી ગંદી વાસ આપી રહી છે, લોકોના ભોજન, પાણીમાં પણ જીવાત, રાત્રે સુતી વખતે પણ જીવાતના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ ગોડાઉન પર હલ્લાબોલ મચાવ્યું હતું. સરકારી ગોડાઉનમાં સડી રહેલા અનાજના વિડીયો સાથે આ ગોડાઉનને ખસેડવાની માંગણી કરી હતી.
સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજનું ગોડાઉન આવ્યું છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી આ ગોડાઉન આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે. આ ગોડાઉનની આસપાસ 25 જેટલી રહેણાંક સોસાયટી આવી છે પરંતુ હાલ ચોમાસામાં આ સોસાયટીના લોકો માટે આફત બનેલું સરકારી ગોડાઉને ચોમાસા દરમિયાન લોકોનું જીવવું હરામ કરી દીધું છે. ગોડાઉનમાં અનાજ સળી રહ્યું છે તેની વાસ આવવા સાથે હવે જીવાત લોકોના ઘર સુધી પહોંચી રહી છે.
કંટાળેલા લોકોએ મહિલાઓ અને વડીલો સાથે ગોડાઉન પર હલ્લો મચાવી દીધો હતો. મહિલાઓ સીધી ગોડાઉનમાં પહોંચી ગઈ હતી અને સળી રહેલા અનાજ અને કાદવના વિડીયો ઉતારી દીધા હતા. લોકોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી સરકારી ગોડાઉન ભાડે આપ્યું છે તેમા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાંજના પાંચ વાગ્યા પછી આ વિસ્તારના લોકોનું જીવવું હરામ થઈ રહ્યું છે. લોકોના ઘરમાં પણ જીવાત આવી રહી છે અને જમવા બેસે ત્યારે ભોજનમાં પણ જીવાત આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે. આ ઉપરાંત પાણીમાં પણ જીવાત આવે છે અને રાત્રીના સમયે લોકો ઉંઘે છે ત્યારે પણ આ જીવાત હેરાન કરી રહી છે.
આ સરકારી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવ્યું હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. આ ઉપરાંત સફાઈ પણ થતી નથી લોકો ફરિયાદ કરે છે ત્યારે ગોડાઉનવાળા દવાનો છંટકાવ કરે છે તેવી વાત કરવામાં આવે છે પરંતુ આ ઉપદ્રવ દૂર થતો નથી. પાલિકામાં ફોટા સાથે ફરિયાદ કરે છે અને પાલિકાએ નોટિસ આપી છે પરંતુ આ રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ન હોવા જોઈએ તેવી વાત કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકાથી માંડીને સરકાર સુધી ફરિયાદ કરી છે અને પાલિકાએ નોટિસ પણ આપી છે પરંતુ આ ગોડાઉનનો ત્રાસ દૂર થતો નથી. લોકો એક જ માગણી કરી રહ્યાં છે કે, લોકો માટે આફતરૂપ બની રહેલું ગોડાઉન દુર કરવું પડશે તેવી માગણી કરી હતી.
ગોડાઉનમાં અનાજ જાળવણી પ્રોટોકોલ પ્રમાણે દવાનો છંટકાવ થાય છે : ગોડાઉન મેનેજર
સચિનના ગોડાઉન મેનેજરે એવો ખુલાસો કર્યો છે કે, સુરતનું આ સૌથી મોટું ગોડાઉન છે અને અહીથી સૌથી વધુ અનાજનું વિતરણ કરવામાં આવે છે. લોકોની ફરિયાદ છે કે, અનાજમાં જીવાત પડે છે તે ઉડીને ઘરમાં આવે છે રોજીંદી જીંદગીમાં તકલીફ થાય છે તેવી લેખિત અને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. અમારા ગોડાઉનમાં અનાજ જાળવણી પ્રોટોકોલ પ્રમાણે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ રજૂઆત ઉપર સુધી કરવામાં આવી છે તેમના તરફથી સુચના આપવામાં આવી છે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા ત્રણેક મહિનાથી જથ્થો વધુ આવ્યો છે અને તેનું વિતરણ ઓછું થઈ રહ્યું છે. પરંતુ હાલ ચોમાસાની ઋતુ છે તેથી જીવાતનું પ્રજનન વધુ થાય છે અને ચોમાસુ પુરું થતા બે ત્રણ મહિનામાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે. અહીં દવાનો છંટકાવ થાય છે ત્યારે જીવાત અન્ય જગ્યાએ જાય છે. ગત વખતે દવા રહેણાંક વિસ્તારમાં પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. અમે તેઓને ફિકવન્સી વધારવાની બાહેધરી આપી છે. ઝડપથી જથ્થાનું રોટેશન કરવામા આવશે તેથી આ સમસ્યાનો હલ આવી શકે છે.