Ahmedabad Crime : અમદાવાદ શહેરના મિરઝાપુરમાં એક યુવકને ધંધાકીય અદાવતમાં એક વ્યક્તિએ તેના ત્રણ પુત્રો સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે કેસમાં શાહપુર પોલીસે પિતા અને તેના ત્રણેય પુત્રોની ધરપકડ કરીને જરૂરી તપાસ બાદ જેલ હવાલે કરી દીધા હતા. આ ઘટનામાં આરોપીએ અગાઉ જેલમાંથી ફોન કરીને સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી. ત્યારબાદ ફરીથી મૃતક યુવકની માતાને પણ ધમકી આપી હતી કે જો સમાધાન કરવામાં નહી આવે તો બીજા પુત્રના પણ હાલ પહેલા પુત્ર જેવા કરવામાં આવશે. આમ, હત્યા કેસના આરોપીઓએ વધુએક વાર ધમકી આપતા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
પિતા અને ત્રણ પુત્રોએ એક યુવકની છરીના 40 ઘા મારીને હત્યા કરી હતી : જેલમાંથી પણ કોલ કરીને ધમકી આપી હતી
શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ તેના પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમ નામના આરોપીઓ છરીના 40 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગે શાહપુર પોલીસે તમામની ધરપકડ કરીને સાબરમતી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં સજા ભોગવી રહેલા તમામ આરોપીઓની જામીન અરજી વિવિધ કોર્ટમાં રીજેક્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક આરોપીઓ જેલમાંથી ફોન કરીને મૃતકના ભાઇને સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી. જે અંગે પણ શાહપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા મોંહમંદ બિલાલના માતા અનીશાબેન બેલિમને સમીર ઉર્ફે બિહારી નવસાદ શેખ (રહે.બટાકાની બિલ્ડીંગ, પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, શાહપુર) દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો આ કેસમાં સમાધાન નહી કરે તો તારા બીજા છોકરાને પણ રહેવા દઇએ. જેથી અનીશાબેને ડરીને તેમના પુત્ર શાહરૂખને સમગ્ર મામલે જાણ કરી હતી. જેના આધારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને શાહપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સમાધાન માટેની ધમકી આપનાર સમીર શેખ આરોપી મોહસીનનો સાળો હોવાનું જાણવા મળ્યું છે.