One Nation One Rate For Gold: વન નેશન બાદ હવે વન નેશન વન રેટ ચર્ચામાં છે. અર્થાત સમગ્ર દેશમાં એક સમાન રેટ. રેટનો આ મામલો સોના સાથે જોડાયેલો છે. ટૂંકસમયમાં આખા દેશમાં સોનાનો એક જ ભાવ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સરકાર એક પોલિસી પર કામ કરી રહી છે, જે લાગુ કર્યા બાદ દેશમાં તમે સોનુ એક જ ભાવે ખરીદી શકશો. વાસ્તવમાં આ પોલિસી શું છે અને તેને લાગુ કર્યા બાદ સોનાના ભાવ કેવી રીતે નિર્ધારિત કરવામાં આવશે, તેમાં શું ફેરફારો થશે, આવો તેના વિશે જાણીએ…
શું છે વન નેશન વન રેટ પોલિસી?
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત એક યોજના છે અને તેના મારફત સમગ્ર દેશમાં સોનાનો ભાવ એક જેવો જ છે, અર્થાત આ લાગુ કર્યા બાદ સમગ્ર દેશમાં એક જ ભાવ પર સોનું મળશે. હાલની વ્યવસ્થા અનુસાર, સમગ્ર દેશમાં સોનાના ભાવમાં તફાવત જોવા મળે છે, અને જુદા-જુદા શહેરોમાં સોનાના ભાવમાં રૂ. 200-500ની વધ-ઘટ જોવા મળતી હોય છે.
જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલે વન નેશન વન રેટને સમર્થન આપ્યું છે. જો કે, હજી સ્પષ્ટતા કરી નથી કે, સરકાર ક્યારે આ અંગે અંતિમ નિર્ણય જાહેર કરશે. આ પોલિસી પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. અનેક જ્વેલરી એસોસિએશને તેને લાગુ કરવા સમર્થન આપ્યું છે.
કેવી રીતે ભાવ નક્કી થશે?
ઉલ્લેખનીય છે, સરકાર આ પોલિસી અંતર્ગત નેશનલ બુલિયન એક્સચેન્જ બનાવી શકે છે. જેનાથી સોનાના ભાવ નિર્ધારિત થશે. એક્સચેન્જ જ સોના-ચાંદી સહિતના ભાવ નક્કી કરશે. જે શેરમાર્કેટની જેમ કામ કરશે. જેના આધારે ભાવ નિર્ધારિત થયા હોવાથી જ્વેલર્સ પોતાની મરજી મુજબ ભાવમાં ફેરફાર કરી શકશે નહીં. જે સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ આધારિત સંચાલિત થશે.
હાલ કેવી રીતે ભાવ નક્કી થાય છે?
હાલ સોનાના ભાવ નક્કી કરવા માટે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અર્થાત એમસીએક્સનો સહારો લેવો પડે છે. જે હાજર ભાવ છે. અનેક દરેક શહેર પોતાના જ્વેલરી એસોસિએશનના વેપારી સાથે મળી માર્કેટ ખૂલતાં જ ભાવ નક્કી કરે છે. આ ભાવ સોનાની માગ, પુરવઠો, ગ્લોબલ માર્કેટ, ફુગાવાને ધ્યાનમાં રાખી નિર્ધારિત કરવામાં આવે છે. દરેક શહેરમાં જ્વેલર્સ દ્વારા ભાવ નક્કી કરવામાં આવતાં હોવાથી ભાવ જુદા-જુદા હોય છે.
શું સોનું સસ્તુ થશે?
આ પોલિસી લાગુ કર્યા બાદ જુદા-જુદા શહેરોમાં જ્વેલર્સની મનમાની પર લગામ લાગશે અને પોતાની મરજી મુજબ ભાવમાં ફેરફાર કરી શકશે નહીં. એક્સચેન્જ દ્વારા નિર્ધારિત કિંમત બાદ જે શહેરોમાં સોનાના ભાવ વધુ છે, તેમાં ઘટાડો થશે.