– બપોરના ૨-૦૦ થી રાતના ૮-૦૦ સુધી નોંધપાત્ર વરસાદ ખાબક્યો, લખતર તાલુકામાં ૦૨ ઈંચ, લીંબડી અને વઢવાણ તાલુકામાં ૧.૫ ઈંચ તેમજ અન્ય તાલુકાઓમાં અડધાથી ૧ ઈંચ વરસાદ નોંધાયો
– થોડા દિવસોના વિરામ બાદ વરસાદના આગમનથી ખેડુતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ
સુરેન્દ્રનગર : હવામાન વિભાગ દ્વારા એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથતાળી દેતો હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું હતું.
જેમાં બપોર બાદ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના અન્ય તાલુકાઓમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં બપોરના ૨-૦૦થી રાતના ૮-૦૦ વાગ્યા સુધીમાં લખતર તાલુકામાં ૫૩ મીમી, લીંબડી તાલુકામાં ૪૧ મીમી, ચુડા તાલુકામાં ૧૪ મીમી, દસાડા તાલુકામાં ૧૫ મીમી, વઢવાણ તાલુકામાં ૩૮ મીમી, સાયલા તાલુકામાં ૦૯ મીમી, થાન તાલુકામાં ૦૯ મીમી, મુળી તાલુકામાં ૦૪ મીમી, ચોટીલા તાલુકામાં ૦૩ મીમી, ધ્રાંગધ્રા તાલુકામાં ૦૧ મીમી, વરસાદ નોંધાયો હતો. અંદાજે પાંચ થી છ દિવસના વિરામ બાદ ફરી ઝાલાવાડમાં મેઘમહેર થતા નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓએ મનમુકીને વરસાદની મજા માણી હતી તેમજ વરસાદમાં નહાતા નજરે પડયા હતા. જ્યારે બીજી બાજુ ખેડુતોના કપાસ, મગફળી સહિતના વાવેતરને પણ આ વરસાદથી એકંદરે ફાયદો થતા ખેડુતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી જ્યારે શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.