Weather Forecast For Gujarat : રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે. તો પશ્વિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ પૂરજોશ ખીલી ઉઠયું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે (16મી જુલાઈ) 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તા.16 થી તા.22 જુલાઈ, 2024 સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.
રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાકક્ષાએ તહેનાત કરી જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ રાહત તથા બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે. તેવામાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
17 જુલાઈના દિવસે રાજ્યના મોટા ભાગના સ્થળે મેધમહેર
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
18 જુલાઈના દિવસે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.
આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.