– સ્થાનિક લોકોને પાણીમાંથી અવરજવર કરવાની નોબત
– સોસાયટીઓમાં જવાના ટીપી સ્કીમના માર્ગ પર ખાડા પડતા લોકોને મુશ્કેલી, પાલિકામાં રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
છેલ્લા કેટલાક વર્ષોથી આણંદ શહેર સતત વિકસિત થતાં અલગ-અલગ વિસ્તારોમાં રહેણાંક સોસાયટી બની છે. સતત વિકસતા જતા સલાટીયા માર્ગ ઉપર મહંમદઅલી પાર્ક સહિત વીસથી વધુ સોસાયટીઓ આવેલી છે. સોમવારના રોજ બપોરના સુમારે આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા આ સોસાયટીઓમાં જવાના ટીપી સ્કીમના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને પાણીમાંથી અવર-જવર કરવાની નોબત આવી છે.
આ માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાતા વરસાદી પાણીના કારણે આવા ખાડાઓનો ખ્યાલ ન આવતા અનેક લોકો ખાડામાં પટકાય છે અને ઈજા થવાના બનાવો બને છે. જેને લઈ સ્થાનિકોએ આજે સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરૂધ્ધ રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હજી સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી નથી. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન પણ નથી. જેના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથીમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહે છે. જેને લઈ માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કાઉન્સીલર દ્વારા પણ આ અંગે પાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો માત્ર ઠાલા વચનો આપે છે અને ડ્રેનેજ લાઈન માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. આ વિસ્તારમાં ત્રણ ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા બાળકોને પાણીમાંથી અવર-જવર કરવાની ફરજ પડી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે.