– વરસાદી પાણીનો નિકાલ ન થતાં નાગરિકોને હાલાકી
– કાંસની સફાઈ માટે 10 લાખ અને અન્ય કામગીરી માટે 3 લાખનો ખર્ચ છતાં શહેરની કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ
ચોમાસાની સિઝન પૂર્વે વરસાદી પાણીના નિકાલ અને વીજળીની યોગ્ય સુવિધા અર્થે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવાની થતી કામગીરી કરવા સુચના કર્યું હતું.
જેમાં એમજીવીસીએલના અધિકારીઓને ભારે વરસાદ અને વાવાઝોડામાં વીજળીની યોગ્ય સુવિધા મળે તેમજ કાંસ વિભાગને ભારે વરસાદમાં કાંસમાં વરસાદી પાણી અવરોધાય નહી તે માટે સાફ-સફાઈ સાથે પાલિકા તંત્રને કોઈ જાનહાનિ ન થાય તે માટે જોખમી વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી કરવા આદેશ અપાયા હતા. જો કે વિવિધ વિભાગો દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત માત્ર દેખાડા પુરતી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.
સોમવારે બપોરે એક કલાકના સમયગાળામાં આણંદ તાલુકામાં લગભગ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ શહેરનો ઈસ્માઈલનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકોના ઘરોમાં પાણી ધસી આવતા સરસામાનને નુકસાન પહોંચ્યું હતું.
જેને લઈ આણંદ નગરપાલિકા, કાંસ વિભાગ તથા એમજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગતનો ખર્ચ એળે ગયો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. આણંદ નગરપાલિકા દ્વારા કાંસ સફાઈ, કૂંડી સફાઈ તથા ઝાડના ટ્રીમિંગ માટે અંદાજિત રૂા.૩ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
બીજી તરફ કાંસ વિભાગ દ્વારા આણંદ શહેરની આસપાસમાં આવેલા કાંસની સફાઈ માટે રૂા.૧૦ લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ નાણાં પાણીમાં ડૂબી ગયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો.
20 મિનિટમાં અઢી ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ચીફ ઓફિસર
આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું કે, માત્ર ૨૦ મિનિટમાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે તુરંત જ પાલિકાની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ એકથી દોઢ કલાકમાં વરસાદી પાણીનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.