Allegation on Ahmedabad Police : થોડા દિવસ પહેલાં એસ.જી. હાઇવે પર એક યુવતી અને વકીલની કારનો અકસ્માત અત્યારે ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં યુવતી દ્વારા અમદાવાદ પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે આ અંગે (X) પર ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે. ત્યારબાદ ફરીથી આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે.
પોલીસે શું કહ્યું?
અમદવાદ પોલીસે (X) પર ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આયેશા ગલેરિયા દ્વારા વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેવા અને પક્ષપાતભર્યું વર્તન કરવાના આક્ષેપ કરાયા હતા. જેને લઈને અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, ‘આયેશાએ પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવીને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની કાર સાથે અથડાતા વકીલે એસ.જી. હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ દાખલ કરાવી હતી.’
આ ઘટનામાં યુવતીએ તેના ભાઈને બોલાવી સિદ્ધરાજસિંહ સાથે ગાળાગાળી અને ઝઘડો કરીને લાફો માર્યો હતો. આ પછી આયેશાના વકીલે ફરિયાદમાં સહી કરવાનું કહેતા આયેશા પોલીસ સ્ટેશનથી જતી રહી હતી. આ બાદ 16 જુલાઈએ પોલીસે આયેશાનો સંપર્ક કરતાં યોગ્ય પ્રતિભાવ આપ્યો ન હતો.’
પોલીસ કમિશનરે યોગ્ય તપાસના આદેશ કર્યા
વાયરલ કરાયેલા વીડિયા અંગે અમદાવાદ શહેર પોલીસે બંને પક્ષની રજૂઆતને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACPને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યાં છે.
અગાઉ પણ આયેશા વિરૂદ્ધ એક મહિલાએ નોંધાવી હતી ફરિયાદ
આ ઘટના બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, અગાઉ પણ આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈસલ વિરુદ્ધ એક મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આયેશાએ પોતાના ગાડી બેફામ રીતે પૂરઝડપે ચલાવી, ગાળાગાળી કરીને ઘમકી અને માર મારવા અંગેની ફરિયાદ એક મહિલા દ્વારા નોંધાવામાં આવી હતી. જેમાં આયેશા અને તેના ભાઈની પોલીસ દ્વારા અટકાયત કરીને ગુના અંગે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આયેશા ગલેરિયાએ વીડિયોમાં શું કહ્યું?
14 જુલાઈના દિવસે એસ.જી. હાઈવે પર એક યુવતીની કાર વકીલની બલેનો કાર સાથે ટક્કર લાગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી યુવતીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોલીસ અને વકીલ પર આક્ષેપ કર્યા હતા કે, ‘એક વ્યક્તિએ મારી ગાડીને અથડાવી મને ગાળો આપી લાફો માર્યો હતો. ત્યારે મે મારા ભાઈ ફૈઝલ અને પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ સ્ટેશનમાં જઈને મે ફરિયાદ નોંધાવવાનું કહેતા મને 4 કલાક સુધી બેસાડી રાખીને મારી ફરિયાદ લેવામાં આવી ન હતી.’