– લોકસભા ચૂંટણીમાં કંગાળ દેખાવ પછી મૌર્ય-યોગી આમને-સામને
– ઉ.પ્ર. ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ લોકસભા ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવની જવાબદારી લઇ રાજીનામાની ઓફર કર્યાનો દાવો
– સરકાર કરતાં સંગઠન મોટું : મૌર્યના દાવાથી યોગી સાથે ઘર્ષણની અટકળોને બળ મળ્યું
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે તેમ સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરી આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના નબળા દેખાવની જવાબદારી પોતાના માથે લઇ ચૌધરી વડાપ્રધાન સાથેની
બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડાપ્રધાનને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતાં.
છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પ્રદેશના ભાજપ નેતાઓ દિલ્હીમાં છે અને તેઓ પક્ષના હાઇ કમાન્ડ સાથે બેઠકો યોજી રહ્યાં છે. આ અગાઉ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય ભાજપ પ્રમુખ જે પી નડ્ડાને મળ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે સંગઠનને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કેટલાક નેતાઓનું માનવું છે કે ૨૦૨૭ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતવા માટે રાજ્યના વડા તરીકે ઓબીસી નેતાની જરૂર પડશે. આ સંદર્ભમાં હાલના ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ ચૌધરીના સ્થાને ઓબીસી નેતાની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે એક્સ પર જણાવ્યું હતું કે સરકાર કરતા પક્ષ મોટો છ.ે તેમણે કરેલી આ ટિપ્પણીથી અનેક અટકળોએ જોર પકડયું છે. ઉત્તર પ્રદેશ ભાજપમાં તિરાડ પડવાની અટકળોએ પણ જોર પકડયું છે.
નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલય દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સંગઠન સરકાર કરતા મોટો હોય છે અને કાર્યકરોની પીડા એ મારી પીડા છે. સંગઠનથી મોટું કોઇ નથી અને કાર્યકરો અમારું ગૌરવ છે.
લખનઉમાં આયોજિત ભાજપની કારોબારીની બેઠકમાં મૌર્યના સંબોધનના કેટલાક અંશો આ પોસ્ટમાં શેર કરવામાં આવ્યા છે. આ પોસ્ટના બેકડ્રોપમાં બેઠકનો ફોટો રાખવામાં આવ્યો છે.
મૌર્યે આ બેઠકમાં જણાવ્યું હતું કે સંગઠન સરકાર કરતા મોટું હોય છે અને હંમેશા મોટું જ હાવું જોઇએ. ૭, કાલીદાસ માર્ગ પર આવેલ મારા રહેઠાણના દરવાજા તમામ માટે ખુલ્લા છે. હું પ્રથમ પક્ષનો કાર્યકર છું ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાન છું.
તેમણે તમામ પ્રધાનો, ધારાસભ્યો અને પ્રજાના પ્રતિનિધિઓને પક્ષના કાર્યકરોનું સન્માન જાળવવાની અપીલ કરી છે. ભાજપ પ્રમુખ જે પી નડ્ડાની મુલાકાતન એક દિવસ પછી મૌર્યની આ પોસ્ટ શેર કરવામાં આવી છે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઇ છે જ્યારે મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી અને મૌર્ય વચ્ચે અંતર વધ્યું હોવાની અફવાઓ ચાલી રહી છે.