વડોદરા.શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ઇલેક્ટ્રિક મોપેડ લઇને જતા સિનિયર સિટિઝનને ટક્કર મારતા તેઓનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા શ્રેયસ સ્કૂલની પાછળ આવેલી કસ્તુરી નગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના ભૂપેન્દ્રભાઇ સરસ્વતીચંદ્ર શાહ વિજય સેલ્સની બાજુમાં દૂધ કેન્દ્ર ચલાવે છે. તેમજ દૂધની ડિલીવરી આપવા પણ જાય છે. ગત તા.૧૫ મી એ તેઓ સાવરે પાંચ વાગ્યે દૂધ કેન્દ્ર પર ગયા હતા. ત્યારબાદ દૂધની થેલીઓ લઇને ગ્રાહકોને ઘરે આપવા માટે ઇલેક્ટ્રિક મોપેડ લઇને નીકળ્યા હતા. મકરપુરાથી શ્રેયસ સ્કૂલ તરફ આવતી એક એમ્બ્યુલન્સે તેઓને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાઇને બેભાન થઇ ગયા હતા. અકસ્માત કરનાર એમ્બ્યુલન્સનો ડ્રાઇવર તેઓને તે જ એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યારબાદ તે હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.