back to top
Homeભારતકર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં 100 ટકા અનામતનો વિરોધ

કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં 100 ટકા અનામતનો વિરોધ

– સીએમે પ્રાઇવેટ જોબમાં ૧૦૦ ટકા અનામતની જાહેરાત કરી હતી

– કેબિનેટમાં મંગળવારે સ્થાનિકોને અનામતનું બિલ પસાર, બુધવારે સવારે જાહેરાત, સાંજે સરકારની પીછેહઠ

– બિલના અમલ સામે કેટલાય ઉદ્યોગો, કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની રાજ્યમાંથી ઉચાળા ભરવાની ધમકી

બેંગ્લુરુ: કર્ણાટકમાં સિદ્ધારામૈયા સરકારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકોને નોકરીનો ક્વોટા ફરજિયાત બનાવતું બિલ અટકાવી દીધું છે. સ્થાનિક સ્તરે ભારે વિરોધના પગલે આ બિલ અટકાવવામાં આવ્યું છે. સિદ્ધારામૈયા સરકારે જણાવ્યું છે કે કેબિનેટ આ બિલ પર પુર્નવિચાર કરશે. રાજ્યની કેબિનેટે મંજૂર કરેલા બિલમાં મેનેજમેન્ટ પોઝિશન પર કન્નડીગા માટે  ૫૦ ટકા અને નોન-મેનેજમેન્ટ પોઝિશન્સમાં ૭૫ ટકા ક્વોટા રાખવાનું ફરજિયાત બનાવ્યું છે.  સરકારના આ નિર્ણયનો ઉદ્યોગોએ આકરો વિરોધ કર્યો છે. 

સિદ્ધારામૈયાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની કરેલી પોસ્ટની ભારે ટીકા થતાં તેમણે પોસ્ટ ડીલીટ કરી હતી. જો કે ડ્રાફ્ટ બિલમાં ગુ્રપ-સી અને ગુ્રપ ડીની પોસ્ટ માટે ૧૦૦ ટકા અનામતની વાત કરવામાં આવી ન હતી. સોશિયલ મીડિયા પર સિદ્ધારામૈયાએ જણાવ્યું હતું કે કેબિનેટે સોમવારે ખાનગી ઉદ્યોગોમાં કન્નડીગા માટે વહીવટી હોદ્દાઓ પર ૫૦ ટકા અનામત અને બિનવહીવટી હોદ્દાઓ માટે ૭૫ ટકા અનામતનું બિલ પાસ કર્યું હતું. 

આ નિર્ણય સમજાવતા તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારનું ધ્યેય કન્નડીગાના કલ્યાણનું છે. કોઈપણ કન્નડીગા નોકરીથી વંચિત ન રહે તે જોવાનું છે. તેને તેની માતૃભૂમિ પર આરામથી જીવવાની તક પૂરી પાડવી જોઈએ. સિદ્ધારામૈયાએ તેમની સરકારને કન્નડીગાઓની સરકાર ગણાવી હતી. 

તેમની જાહેરાતની આકરી ટીકા થતાં રાજ્ય સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગ સાથે સલાહમસલત કરશે અને તેમની ચિંતાઓનો જવાબ આપશે. આ બિલને શ્રમવિભાગ દ્વારા લાવવામાં આવ્યું છે. તેની હજી ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી નથી. મને ખાતરી છે કે બિલના નિયમો માટે આવતા પહેલાં તેઓ સંલગ્ન મંત્રાલયો સાથે સલાહમસલત કરશે અને ઉદ્યોગો સાથે વ્યાપક સલાહમસલત કરવામાં આવશે, એમ રાજ્યના પ્રધાન પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું. 

કર્ણાટક સરકારે પ્રાઇવેટ સેક્ટર જોબ માટે સ્થાનિકોને અનામત આપતું બિલ પસાર કર્યુ તેનો ઉદ્યોગોએ ભારે વિરોધ કર્યો છે. સોફ્ટવેર એસોસિયેશનોના એકમ નાસકોમે જણાવ્યું છે કે આ નિયમોના લીધે કેટલીય કંપનીઓએ કર્ણાટક છોડી જવાની ફરજ પડી હોત. ૨૦૦ અબજ ડોલરના ટેકનોલોજી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતાં નાસકોમે જણાવ્યું હતું કે આ બિલ સ્થાનિક સ્તરે પ્રતિભાશાળી કર્મચારીઓની  અછતનો સામનો કરતી કંપનીઓને ઉચાળા ભરવાની ફરજ પાડી શકે છે.આ ઉપરાંત આ બિલ કેટલાય સ્ટાર્ટઅપ્સનું ગળું ઘોંટી શકે છે. 

આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ હોય તો તે કોઈપણ ઉદ્યોગ, ફેક્ટરી કે અન્ય એકમે મેનેજમેન્ટ કેટેગરીમાં ૫૦ ટકા સ્થાનિકોનો રાખવા પડશે તે છે. જો કોઈ વ્યક્તિ પાસે કન્નડ સ્કૂલની સર્ટિફિકેટ ન હોય તો તેણે કન્નડ ભાષાનો ટેસ્ટ પાસ કરવો પડશે. આ બિલને ગુરુવારે વિધાનસભામાં મૂકવામાં આવનાર હતું.

– કર્ણાટક વિવાદાસ્પદ બિલ લાવનાર પહેલું નથી

– હરિયાણા, ઝારખંડ, આંધ્રમાં આવા બિલ હજુ અદ્ધરતાલ

– હરિયાણાનું બિલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન, બીજા રાજ્યો જોડાઈ શકે

નવી દિલ્હી: કર્ણાટકમાં સિદ્ધારામૈયાની સરકાર ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે અનામતનું બિલ લાવી તેમા કશુ નવું નથી. તેના પહેલા બીજા ત્રણ રાજ્યો હરિયાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશ આવું બિલ લાવી ચૂક્યા છે.હવે આ બિલના મોરચે સ્થિતિ શું છે તે આપણે જોઈએ. 

કર્ણાટક પહેલા આંધ્ર ૨૦૧૯માં, હરિયાણા ૨૦૨૦માં અને ઝારખંડ ૨૦૨૩માં આ જ પ્રકારનું બિલ લાવ્યા હતા. ત્રણેય રાજ્યોએ વિવિધ વેતન ટોચમર્યાદા સાથે ક્વોટા પણ નિર્દિષ્ટ કર્યા હતા. આંધ્ર વિધાનસભાએ સ્થાનિકો માટે ૭૫ ટકા જોબ રિઝર્વ રાખતું બિલ પસાર કર્યુ હતું. તેમા માસિક વેતન કમસેકમ રુ. ૩૦,૦૦૦ રાખવાની વાત હતી.જગન સરકારના આ બિલને હાઇકોર્ટમાં પડકારાયું હતું અને તેણે તેને સંભવતઃ ગેરબંધારણીય ગણાવ્યું હતું.

હરિયાણા સરકારે ૨૦૨૦માં ખાનગી નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામતનું બિલ પસાર કર્યુ હતું. આ બિલને ફરીદાબાદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને અન્ય ઉદ્યોગોએ પડકાર્યું હતું. તેઓનો દાવો હતો કે આ બિલ હરિયાણાના કર્મચારીઓના બંધારણીય અધિકારનો ભંગ કરે છે. કોર્ટનું તારણ હતું કે આ કાયદો તો ઇન્સ્પેક્ટર રાજને આમંત્રણ આપે છે. આ તો ખાનગી કંપનીઓએ તેમને ત્યાં નોકરી કોને આપવી કે કોને નહીં તે નક્કી રાજ્ય સરકાર કરે તેની રાહ જોવી પડશે. આ તો રીતસરનો ખાનગી એકમ પર અંકુશ જ કહી શકાય. આ એક રીતે બંધારણનો ભંગ કરે છે. હરિયાણા સરકાર હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં ગઈ છે.

ઝારખંડે રાજ્ય સરકારની નોકરીઓમાં ક્લાસ-૩ અને ક્લાસ-૪ના કર્મચારીઓમાં ૧૦૦ ટકા સ્થાનિકોનો જોબ આપતો કાયદો પસાર કર્યો હતો. આ બિલને ગવર્નરે પરત મોકલાવ્યું હતું. તેના પછી તેમણે ફરીથી વિધાનસભામાં બિલ પસાર કર્યુ હતુ, પરંતુ ગવર્નરને આપ્યું ન હોવાથી હજી સુધી કાયદો બન્યો નથી. 

હરિયાણાએ સુપ્રીમમાં કરલી અરજીના સંદર્ભમાં સુપ્રીમે આ મુદ્દે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. તેની સાથે તેણે રાજ્યની કોર્ટોમાં ચાલતા આવા બીજા કેસોની સુનાવણી કરવાની તૈયારી બતાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments