Delhi Liquor Scam: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ED દ્વારા તેમની ધરપકડને કોર્ટમાં પડકારી હતી, તે અરજી પર પણ હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, ધરપકડને ગેરકાયદે ગણાવતા સીએમ કેજરીવાલની અરજી પર નિર્ણય આપવામાં હજુ પણ પાંચથી સાત દિવસ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે, મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ હાલમાં ભ્રષ્ટાચારના કેસમાં અરવિંદ કેજરીવાલ સીબીઆઈની કસ્ટડીમાં છે.
દિલ્હી હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો
દિલ્હી લીકર કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા. અને EDની તમામ દલીલોને ફગાવીને રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને જમાનત આપી દીધી હતી. તપાસ એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે સીએમ કેજરીવાલના જામીન અંગે નીચલી કોર્ટના નિર્ણય પર બ્રેક લગાવી દીધી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ સાથે તેમની વચગાળાની જામીન અરજી પર પણ બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, પરંતુ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.