Image Source: Twitter
Delhi Liquor Scam Case: એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI કેસમાં જામીન અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, CBIએ છેલ્લા બે વર્ષમાં કેજરીવાલની ધરપકડ ન કરી પરંતુ જ્યારે ED મામલે તેમને રાહત મળવાની હતી ત્યારે તેણે ધરપકડ કરી. સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે તેઓ કોઈ આંકવાદી નથી.
કેજરીવાલના વકીલ સિંઘવીએ હાઈકોર્ટને જણાવ્યું કે, હું કોર્ટ સામે ત્રણ આદેશ લઈને આવ્યો છું જેમાં નીચલી અદાલત દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીન, સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પ્રચાર માટે મળેલા વચગાળાના જામીન અને તાજેતરમાં જ ED મામલે આપવામાં આવેલા વચગાળાના જામીનના આદેશ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સિંઘવીએ કહ્યું કે, જ્યારે કેજરીવાલને જામીન મળવાના હતા ત્યારે જ CBI દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી. જ્યારે CBIએ 2 વર્ષ સુધી તેમની ધરપકડ નહોતી કરી. CBIએ તેમનું નિવેદન નોંધ્યા બાદ પણ તેમની ધરપકડની જરૂર ન સમજી. ED દ્વારા નોંધાયેલા કેસમાં પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચૂક્યા છે. SCએ જામીન આપ્યા છે એનો અર્થ એ કે સુપ્રીમ કોર્ટ એ વાતથી સંતુષ્ટ હતી કે જામીન રહેતી વખતે કેજરીવાલ પુરાવા સાથે છેડછાડ નહીં કરશે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરશે.
સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં CBIની FIR બે વર્ષ જૂની છે. FIR વર્ષ 2022માં નોંધવામાં આવી હતી. જેમાં કેજરીવાલ આરોપી નહોતા. એપ્રિલ 2023 માં સાક્ષી તરીકે નિવેદન આપવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું. કેજરીવાલ પૂછપરછમાં સામેલ થયા. સિંઘવીએ આ દરમિયાન ઈમરાન ખાનનો પણ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને ત્રણ દિવસ પહેલા એક કેસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ વાત બધાએ અખબારમાં વાંચી હતી પરંતુ બાદમાં બીજા કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી. આપણા દેશમાં આવું ન થઈ શકે.
ધરપકડ મૂળ અધિકારોનું હનન
આ કેસમાં કેજરીવાલની ધરપકડ એ બંધારણની કલમ 14, 21, 22 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું હનન છે. CBIએ તેમના પહેલા પૂછપરછ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી પરંતુ કેજરીવાલને ટ્રાયલ કોર્ટે નોટિસ જારી કરવું પણ જરૂરી ન સમજ્યું. ધરપકડ માટે CBIએ ટ્રાયલ કોર્ટને માત્ર એક જ કારણ આપ્યું હતું કે તેઓ અમારા સવાલો સંતોષકારક જવાબો આપી રહ્યા નથી. શું તપાસ એજન્સીને ઇચ્છિત જવાબ ન આપવા બદલ ધરપકડ કરી શકાય? આ પોતાનામાં એક આધાર કેવી રીતે હોઈ શકે! ટ્રાયલ કોર્ટનો કેજરીવાલની ધરપકડ માટે પરવાનગી આપવાનો આદેશ ખોટો છે. તાજેતરમાં જ જસ્ટિસ સંજીવ ખન્નાએ પોતાના આદેશમાં કહ્યું છે કે માત્ર પૂછપરછ જ ધરપકડનો આધાર ન હોઈ શકે.