– કાલાવડ રોડ પરના ન્યારી નદીના પુલ પાસેની ઘટના
– રસ્તા વચ્ચે ઝઘડતા ખૂંટીયાથી બાઈક તારવવા જતા અકસ્માત ઃ બાઈક સવાર અન્ય યુવાનને ઈજા
– રાજકોટમાં રહેતો અને લોધીકા નજીક કંપનીમાં નોકરી કરતો યુવાન મિત્ર સાથે બાઈક પર કામે જઈ રહ્યો હતો
રાજકોટ: કાલાવડ રોડ પર વીરડા વાજડીથી આગળ ન્યારી નદીના પુલ પાસે રસ્તામાં ઝઘડતા ખુંટીયાથી દુર બાઈક ચલાવવાનો પ્રયાસ કરતી વખતે બાઈક સ્લીપ થતા બે યુવાનો ફંગોળાયા હતાં. જેમાં ચીરાગ જગદીશભાઈ ચીકાણી (ઉ.વ.૩૦ રહે, મવડી ચોકડી પાસે, રાજકોટ) પાછળ આવી રહેલા ટ્રક હડફેટે ચડી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જયારે તેના મિત્ર નીતીનભાઈ મગનભાઈ રાઠોડ ઉ.વ.૨૭ રહે, આર્યનગર, સંતકબીર રોડ, રાજકોટને ઈજા થઈ હતી.
રાજકોટનાં મવડી ચોકડી નજીક રહેતો અને લોધીકા નજીક કંપનીમાં નોકરી કરતો મુળ પોરબંદરનો ચીરાગ ચીકાણી (ઉ.વ.૩૦) એ આજે સવારે તેના મિત્ર નીતીન રાઠોડ ઉ.વ.૨૭ કે જે પણ લોધીકા નજીક કંપનીમાં નોકરી કરે છે તેને કોલ કરીને સાથે બાઈકમાં લે તા જવાનું કહ્યું હતું.
આથી નીતીન આજે સવારે ચીરાગને લઈ કંપનીએ જવા રવાના થયા હતાં. બાઈક ચીરાગ ચલાવતો હોય કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામથી આગળ ન્યારી નદીના પુલ પાસે બને પહોંચ્યા હતાં. આ સમયે પુલ નજીક બે ખૂંટીયા ઝઘડી રહ્યાં હોવાથી ચીરાગે થોડે દુર સાઈડમાંથી બાઈક હકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સ્લીપ થઈ જતા બને મિત્રો રસ્તા પર ફંગોળાઈ ગયા હતાં.
આ તરફ રસ્તા પર ફંગોળાયેલો ચીરાગ બાઈક પાછળ આવી રહેલા ટ્રકની હડફેટે ચડી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યું નિપજયું હતું. જયારે રસ્તામાં થોડે દુર ફંગોળાયેલા નીતીનનો ઈજા સાથે બચાવ થયો હતો. જાણ થતા મેટોડા જીઆઈ.ડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.