Rain in Jamnagar : જામનગર શહેરમાં પાંચ દિવસના વિરામ બાદ આખરે ગઈકાલે રાતે મેઘરાજાની પઘરામણી થઈ હતી, અને ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉપરાંત કાલાવડમાં દોઢ ઇંચ, જ્યારે લાલપુરમાં અઢી ઇંચ અને જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલ મળી રહ્યા છે. ઉપરાંત લાલપુર જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ બેથી અઢી ઇંચ વરસાદ પડી જતાં અને નદીનાળાઓમાં પુર આવ્યા હતા.
જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો હતો, પરંતુ મેઘરાજા હાથ તાળી આપીને ચાલ્યા જતા હતા, દરમિયાન ગઈકાલે મંગળવારે રાતે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, આથી જામનગર વાસીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ રાત્રીના આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી, અને પોણા આઠ વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 42 મી.મી. વરસાદ પડી ગયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે, અને ફરી વરાપ નીકળ્યો છે.
જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં સાંજે 6 થી 10.00 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળા દરમિયાન 32 મી.મી. વરસાદ પડી ગયો હતો, તેમજ લાલપુરમાં ગઈકાલ સાંજથી રાત્રી દરમિયાન 54મી.મી. અને જામજોધપુરમાં પણ બપોર બાદ 17 મી.મી. વરસાદ પડી ગયાના અહેવાલ મળી રહ્યા છે. ઉપરાંત ધ્રોલમાં પણ વરસાદી ઝાપટાં વરસી ગયા હતા.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને કાલાવડ જામજોધપુર તેમજ લાલપુર પંથકમાં બે થી અઢી ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં લાલપુર તાલુકાના પીપરટોડામાં 58 મી.મી., જ્યારે પડાણામાં 50 મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે મોટા ખડબામાં 44 મી.મી., મોડપરમાં 48 મી.મી. અને હરીપરમાં 32 મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના ભણસાલ બેરાજામાં 54 મી.મી. અને નવા ગામમાં 40 મી.મી., જયારે મોટા વડાળામાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં પણ 45 મી.મી. અને જામવણથલી ગામમાં 40 મી.મી. વરસાદ નોંધાયો છે.