અનંત અંબાણી અને રાધિકાને આવકારવા માર્ગમાં અનેક સ્થળે આતશબાજી : મુંબઇમાં શુભ લગ્ન સમારોહ સમારોહ સંપન્ન થયા બાદ નવયુગલ ચાર્ટર પ્લેનમાં જામનગર આવી પહોંચ્યુંઃ દ્વારકા દર્શનાર્થે જાય તેવી સંભાવના
જામનગર, : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂખ્ય સંચાલક વ્યવસ્થાપક એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમજ રાધિકા અંબાણી કે જે બંને નવ દંપતિએ તાજેતરમાં મુંબઈમાં લગ્ન સમારોહ સંપન્ન કરીને ગઈકાલે રાત્રે ચાર્ટર પ્લેન મારફતે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જે બંનેનું પુષ્પવૃષ્ટિ કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું. સાથો સાથ ઢોલ નગારા શરણાઈના સૂર પણ રેલાવવામાં આવ્યા હતા.
જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંકુલની મુલાકાતે આવી પહોંચેલા નવપરણિત યુગલ અંબાણી અને રાધિકાને આવકારવા માટે વૈભવી કારને ફુલોથી શણગારવામાં આવી હતી, જે કારમાં બેસીને તેઓએ મોટી ખાવડી તરફ પ્રયાણ કર્યું હતું. અંબાણી પરિવાર તથા રિલાયન્સ સંકુલના પરિવારની બાળાઓ દ્વારા ઈંઢોણી અને ક્ળશ સાથે સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટની બહારના ભાગમાં ભવ્ય આતશબાજી કરાઈ હતી. તેઓ મોટર માર્ગે જામનગરથી મોટી ખાવડી પહોંચ્યા દરમિયાન રસ્તામાં પણ ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી હતી. તેઓ જ્યારે રિલાયન્સ કંપનીના રિલાયન્સ ગ્રીન્સ એરિયામાં પ્રવેશ કરતાં ત્યાં પણ રિલાયન્સ સાથે જોડાયેલા અન્ય પરિવાર જનોએ બંનેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી અને રાધિકા અંબાણી કે જેઓએ રાત્રે રોકાણ રિલાયન્સ ગ્રીન્સમાં જ કર્યું હતું.