નાનામવા વિસ્તારમાં વરસાદ વખતે બનેલી કરૂણ ઘટના નજીકમાં આવેલા વીજ થાંભલાના અર્થીંગમાંથી વીજ કરંટ લાગ્યાનું પોલીસનું અનુમાન, પરિવારમાં કલ્પાત
રાજકોટ, : મવડીના હરિદ્વાર હાઈટસમાં બી-વીંગમાં રહેતી નિરાલી વિનોદભાઈ કાકડીયા (ઉ.વ. 20)ને ગઈકાલે સાંજે નાનામવા રોડ પર વરસતા વરસાદમાં વીજશોક લાગતા મૃત્યુ નિપજયું હતું. જેને કારણે પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નિરાલી ગઈકાલે મોડી સાંજે જયારે ધોધમાર વરસાદ વરસતો હતો ત્યારે ટુ વ્હીલર લઈને નાનામવા રોડ પરથી નીકળી હતી. નજીકના વીજ થાંભલા પાસેથી પસાર થતી વખતે અચાનક તેને પાણીમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઈ ઢળી પડી હતી.
તત્કાળ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં મૃત્યુ નિપજયું હતું. ખરેખર કઈ રીતે નિરાલીને કરંટ લાગ્યો તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. જે વીજ થાંભલા પાસેથી નિરાલી પસાર થઈ હતી તેનો કોઈ વાયર પણ નીચે પડી નહી ગયાનું પોલીસને જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં આ વીજ થાંભલાના અર્થીંગમાંથી કરંટ લાગ્યાનું પોલીસ માની રહી છે.
ભોગ બનનાર નિરાલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. વરસતા વરસાદમાં વીજ થાંભલા નજીકથી પસાર થતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તે આ ઘટના પરથી સાબિત થયું છે. રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.