ન્યૂયોર્ક,૧૭ જૂલાઇ,૨૦૨૪,બુધવાર
તાજેતરમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ થયા પછી રાજકારણ ગરમાયું છે. યુએસની જાસુસી સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓ પર ગંભીર સવાલો થવા લાગ્યા છે. સીક્રેટ સર્વિસ એજન્સી જેવી દુનિયાની ઉચ્ચતમ સંસ્થા છતાં હુમલાખોર ટ્રમ્પની આટલો નજીક કેવી રીતે પહોંચી શકયો તેનો જ મોટો વિવાદ સર્જાયો છે. મેથ્યુ કુકસ નામનો ૨૦ વર્ષનો હુમલાખોર યુવાનના ગોળીબારથી ટ્રમ્પ સદનસીબે બચી ગયા હતા. ગોળી ટ્રમ્પના કાનની સપાટી નજીકથી પસાર થઇને આગળ નિકળી ગઇ હતી.
કેટલાક રુઢિવાદી લોકો ટ્રમ્પ પરના હુમલા માટે સીક્રેટ સર્વિસમાં મહિલા એજન્ટોની ભરતીને જવાબદાર માની રહયા છે. જો કે મહિલા એજ્ન્ટોએ હુમલા દરમિયાન ટ્રમ્પની સંપૂર્ણ સુરક્ષા માટે ખડેપગે ઉભી રહી હતી. તેમ છતાં અમેરિકાના રાજકારણમાં દક્ષિણપંથીઓનું માનવું છે કે મહિલાઓ આ પ્રકારની ડયૂટી માટે ફિટ નથી. અમેરિકાના રુઢિચૂસ્તોનું માનવું છે કે મહિલાઓ પ્રમાણમાં વીક હોય છે તે ટ્રમ્પ જેવી વ્યકિતની સુરક્ષા કરી શકે નહી.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણપંથી એકિટવિસ્ટ મેટ વોલ્શએ એકસ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે સીક્રેટ સર્વિસ કોઇ મહિલા હોવી જોઇએ નહી. આ કાર્ય માટે મહિલાઓ સર્વશ્રેષ્ઠ હોય તેવું બની શકે નહી. પુરુષ અને મહિલા સમાન પરંતુ કેટલીક વાતો બેઢંગી હોય છે. ટ્રમ્પની સુરક્ષા માટે પ્રમાણમાં ઓછી કદ કાઠી ધરાવતી મહિલાઓને ગોઠવવામાં આવી હતી જે પોતાનું આર્મ્સ પણ વ્યવસ્થિતિ સંભાળી શકતી ન હતી દે શરમજનક છે.