મોરબીમાં મકનસર ગામે હિચકારી ઘટના ટ્રેકટરનાં માલિક સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ : મૃતક યુવાન મિત્રો સાથે ટ્રેકટર ઉપર બેઠો હતો ત્યારે માથાકૂટ
મોરબી, : મોરબીના મકનસર ગામમાં મિત્રો સાથે યુવાન ટ્રેક્ટરમાં બેઠો હતો ત્યારે ટ્રેકટર માલિક સહિતના ત્રણ ઇસમોએ ઉશ્કેરાઈને તેને નીચે ફેંકી દીધો હતો અને તેની પર ટ્રેક્ટર ચડાવી ગંભીર ઈજા કરતા સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા (ઉ.વ. 72)એ આરોપીઓ ગોરધનભાઈ મગવાણીયા ટ્રેક્ટરવાળા (રહે. પ્રેમજીનગર, તા. મોરબી) અને બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગઈકાલે તેઓ ઘરે હતા અને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે મોટા દીકરા દિલીપનો દીકરો ધામક દરવાજા પાસે જતા અન્ય બાળકોએ તેને કહ્યું કે ‘તારા પ્રકાશ કાકા પાણીના ટાંકા પાસે પડયા છે અને લોહી નીકળે છે’ જેથી પાણીના ટાંકા પાસે જતા દીકરો પ્રકાશ મકવાણા (ઉ.વ. 34) લોહી લુહાણ હાલતમાં પડયો હતો અને બેભાન દેખાતો હતો. જ્યાં હાજર માણસો પાસેથી જાણવા મળ્યું હતું કે દીકરો પ્રકાશ અને બે મિત્રો ગોરધનભાઈના ટ્રેક્ટર પર બેઠા હતા ત્યારે બોલાચાલી થતાં ગોરધનભાઈ સાથેના માણસોએ પ્રકાશને ટ્રેક્ટર પરથી નીચે ફેંકી દીધો હતો અને ગોરધનભાઈએ પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું.
જેથી પ્રકાશને લોહીલુહાણ હાલતમાં રીક્ષામાં સુવડાવ્યો અને 108માં ફોન કરતા એમ્બ્યુલન્સ આવતા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી મોરબી તાલુકા પોલીસે ટ્રેકટર માલિક અને બે અજાણ્યા સહીત ત્રણ શખ્સો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.