છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત
વાદળોની આવન જાવન વચ્ચે અસહય બફારો અનુભવાયો
ભુજ: કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજના વરસાદી ઝાપટાં વરસાદનો દોર યથાવત રહ્યો છે. દયાપર ખાતે ગાજવીજ અને ભારે પવન સાથે એક ઈંચ વરસાદ વરસ્યો હતો. મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુજરાતમાં હાલ ચાર સિસ્ટમ સક્રિય છે જેનાથી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે દ્વારા આગાહી અપાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજા હાજરી પુરાવી રહ્યા છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે રાત્રિના આઠ સુધી લખપત ખાતે ૨૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. લખપતના મુખ્ય મથક દયાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ભારે ગરમી અને અસહય બફારો અનુભવાયો હતો દયાપરમાં જોરદાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ગાજવીજ અને ભારે પવન સાથે એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું જિલ્લા મથક ભુજ ખાતે સવારથી આકાશમાં વાદળોની આવન જાવન જોવા મળી હતી. ધૂપ-છાંવના માહોલ વચ્ચે ભારે ગરમી અનુભવાઈ હતી. મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થઈને ૩૪.૭ ડિગ્રી સે નોંધાયું હતું.