Kalipura village land scam: ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર સોદા થઈ જવાનો જાણે સિલસિલો શરૂ થયો હોય એવું લાગે છે. દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી 1.5 વીઘા જમીનનો બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ ગયાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ગ્રામજનોએ તંત્ર સમક્ષ વાંધો ઉઠાવતા આગામી તેની સુનાવણીની મુદત પણ અપાઈ છે.
7 વીઘા જમીન ઉપર 50 વર્ષ અગાઉ ઊભા થયેલા ગામની જમીનનો સોદો
દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવાયો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે સાત જેટલા વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલુ છે ત્યાં દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવતા અનેક ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલો
આ અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું. હાલ અહીં 35 જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર છે. અહીં તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ અપાઈ રહી છે. ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.
દહેગામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત એપ્રિલમાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદાઈ હતી અને દોઢ વીઘા જગ્યા પેટે રૂ. 4.90 લાખ ચેક મારફતે વારસદારોને ચૂકવાયા હતા.
જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે. તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.
દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં ગાંધીનગર પોલીસે 2ની ધડપકડ કરી, 5 ફરાર
સમગ્ર ઘટના મામલે દહેગામ મામલતદારનો રિપોર્ટ મંગાયો
દહેગામના જૂના પહાડિયા ગામ બાદ હવે સાપાના પેટાપરા કાલીપુરા ગામની પણ 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જવાના મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દહેગામ મામલતદાર પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેથી આ મામલે પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને પહાડિયાની જેમજ વારસદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.
પહાડિયા ગામ વેચવા મામલે બે આરોપીઓ રિમાન્ડ ઉપર
દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો પણ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવા મામલે સાત વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્રની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપી વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરાઈ હતી. આ બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ જમીનનો સોદો રૂ. બે કરોડમાં કરાયો હતો, જે પૈકી વારસદારોને રૂ. 50 લાખ મળી ચૂક્યા હતા.