પતિ બેવફાઈ કરતો હોવાથી ક્રાંતિકારી પગલુ લીધું
ઈસ્લામિક કાયદા મુજબ સામાન્યપણે પુરુષોને જ તલાકનો અધિકાર હોવા છતાં રાજકુમારીએ હિંમત દાખવી
નવી દિલ્હી: દુબઈની રાજકુમારી શૈખા માહરા મોહમ્મદ રાશેદ અલ મકતુમએ સોશિયલ મીડિયા પર તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશિદ બિ મના અલ મકતુમને ત્રણ વાર તલાક લખીને ઈન્સ્ટન્ટ તલાક આપ્યા હતા. દંપતિને બે મહિના અગાઉ જ પ્રથમ બાળકનો જન્મ થયો હતો. રાજકુમારીએ ૧૬ જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તલાક જાહેર કરીને તેના પતિ પર બેવફાઈનો આરોપ લગાવતા લખ્યું હતું કે તમે અન્ય જોડીદારો સાથે વ્યસ્ત હોવાથી તમારાથી છૂટાછેડા લઉ છું.
ઈસ્લામિક કાયદા પ્રમાણે ઈન્સ્ટન્ટ છૂટાછેડાને તલાક-એ-બિદ્દત કહેવાય છે જેમાં પતિ એક જ સમયે ત્રણ વાર તલાક બોલવાથી લગ્નનો તાત્કાલિક અંત આવે છે. પરંપરાગત રીતે ઈસ્લામિક કાયદાના અનેક અર્થઘટન મુજબ માત્ર પુરુષો જ પત્નીને તલાક આપી શકે છે. બીજી તરફ મહિલાઓ પાસે ખુલા તરીકે ઓળખાતી બીજી પ્રક્રિયાનો વિકલ્પ હોય છે જેમાં તે તેના પતિ અથવા કોર્ટને તલાક માટે વિનંતી કરી શકે છે. કેટલાક અર્થઘટન પ્રમાણે મહિલા નિકાહનામામાં તેમને પણ તલાકનો અધિકાર આપતી કલમ ઉમેરવાનો આગ્રહ રાખી શકે છે.
રાજકુમારીની પોસ્ટના કમેન્ટના વિભાગમાં તેના હિતેચ્છુઓ તરફથી અનેક કમેન્ટ આવી હતી. નેટ વપરાશકારોના ધ્યાનમાં એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે રાજકુમારીના એકાઉન્ટમાં તેના પતિ સાથેના કોઈ ફોટા નહોતા તેમજ બંનેએ એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા.
શૈખા માહરાએ મે ૨૦૨૩માં અમીર ઉદ્યોગપતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશિદ બિન મના અલ મક્તુમ સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો. જૂનમાં શૈખા માહરાએ સોશિયલ મીડિયા પર સાંકેતિક પોસ્ટમાં પોતાની પુત્રી સાથેની તસવીરના કેપ્શનમાં લખ્યું હતું અમે માત્ર બે જ જણા છીએ.
શૈખા માહરા દુબઈના ઉપ પ્રમુખ અને વડા પ્રધાન તરીકે પણ સેવા આપતા વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની પુત્રી છે.