અમદાવાદ,મંગળવાર,16
જુલાઈ,2024
સાબરમતી નદીના શુધ્ધિકરણ પાછળ વર્ષે રુપિયા દોઢ કરોડનો ખર્ચ
કરવામાં આવે છે.નદીની સફાઈ પાછળ પુરતુ ધ્યાન આપવામાં આવતુ નથી.સુભાષબ્રિજથી આંબેડકબ્રિજ
સુધીના વિસ્તારમાં જળકુંભીનું સામ્રાજય ફેલાઈ ગયુ છે.સફાળા જાગેલા તંત્રે સોમવાર રાતથી
નદીમાં ફેલાયેલી જળકુંભીને દુર કરવા સ્કિમર મશીન કામે લગાડયા છે.
નદીમાં જળકુંભી ફેલાવાના કારણે આખી નદી લીલા રંગની જોવા મળી
રહી છે.નદીમાં પાણીનુ લેવલ ઘટાડી દેવામાં આવ્યુ છે.જળકુંભી ફેલાવાના કારણે કેટલાક
સ્થળોએ અસહય દુર્ગંધની સાથે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવા પામ્યો છે.નદીમાં આવતા
પાણીના નિકાલ માટે નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવામા આવે
છે.પાણીનુ લેવલ ઓછુ થઈ જતા નદીમાં ચલાવવામાં આવતી ફલોટીંગ રેસ્ટોરન્ટ બંધ કરવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે.નદીમાંથી જળકુંભી દુર કરવામાં આવ્યા બાદ જ ફલોટીંગ
રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવશે.જળકુંભીના કારણે બોટ ચલાવવામા આવે તો વનસ્પતિ
એન્જિનના ભાગમા ભરાઈ જવાથી નુકસાન થઈ શકે છે.આ કારણથી રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવી
છે.સાબરમતી નદીની સફાઈ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાંચ સ્કિમર મશીન
ખરીદવામાં આવ્યા છે.આ મશીનની મદદથી જળકુંભી દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી
છે.કરોડો રુપિયાના ખર્ચ પછી પણ સાબરમતી નદીનુ સો ટકા શુદ્ધિકરણ તંત્ર કરી શકયુ
નથી.