– આરઝૂના પતિ શેરબહાદૂર દેઉબા નરેન્દ્ર મોદીના મિત્ર છે
– હવે તે ચિંતા કરવાની જરૂર જ નથી કે બાઉન્ડ્રી-પીલર્સ ક્યાં છે ? સેટેલાઇટ તસવીરો અને મહાકાલી નદી બંને દેશો વચ્ચેની સીમા નિશ્ચિત કરી શકે છે
નવીદિલ્હી,ખટમંડુ : નેપાળમાં નવી સરકાર રચાઈ ગઈ છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીમાં મંત્રી મંડળમાં આરઝૂ રાણા દેઊબા વિદેશ-મંત્રી બન્યાં છે. પદ ઉપર પોતાની નિયુક્તિ થતાં જ તેઓએ ભારત-નેપાળ સીમા વિવાદ અંગે કહ્યું હતું કે, હવે તે માટે સ્તંભો રાખવાની કોઈ જરૂર જ નથી. નવી ટેકનિક પ્રમાણે (સેટેલાઇટ તસવીરોથી) બંને દેશોની સીમા અંકિત થઈ જ શકે તેમ છે. પશ્ચિમ સીમા મહાકાલી નદીથી અંકિત થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પ્રમુખ રામચંદ્ર પૌડેલે નેપાળની સૌથી મોટી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ઓલીને વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા હતા. ઓલીને પંચાયત (સંસદ)માં રહેલી સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ અને અન્ય નાનાં દળોનું સમર્થન મળેલું છે.
વિદેશમંત્રી આરઝૂ રાણાએ સીમા વિવાદ અંગે કહ્યું હતું કે, તે વિવાદ તથ્યો અને સાબિતીઓના આધારે જ ઉકેલવો જોઈએ. તેઓએ સીમાંકન અંગેની જૂની પદ્ધતિ છોડવાનું કહેતાં જણાવ્યું હતું કે, ભૂગોળ, ઈતિહાસ સાથે જીપીએસ આધારિત નવા નકશાઓ રચવાની જરૂર છે.
તેઓએ કહ્યું કે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે બાઉન્ડ્રી-પીલર્સ છે જ ક્યાં ? આજે આપણી પાસે ઘણી વધુ માહિતી છે, ફેક્સ છે, સાબિતીઓ છે.
ઉલ્લેખનીય છે કે રાણા નેપાળમાં ચોથાં મહિલા વિદેશ મંત્રી છે. તે પૂર્વે બિમલા રાય પૌડેલ, સુજાતા કોઈરાલા અને સહાના પ્રધાન વિદેશ મંત્રી પદે હતાં.
આરઝૂ રાણા વિદેશમંત્રી થતાં ભારત-નેપાળ વચ્ચે સારા સંબંધો સ્થાપવાની આશા છે. અત્યારે નેપાળી કોંગ્રેસના અધ્યક્ષપદે રહેલા આરઝૂ રાણાના પતિ ૨૦૨૨માં નેપાળના વડાપ્રધાન પદે હતા. તેઓ ભારતની મુલાકાતે પણ આવ્યા હતા, અને પી.એમ. મોદી સાથે મંત્રણાઓ પણ કરી હતી. તેઓએ સીમા વિવાદ ઉકેલવા માટે સંયુક્ત વ્યવસ્થા રચવા જણાવ્યું હતું. તેઓએ તેમ પણ કહ્યું હતું કે ખુલ્લી સરહદોનો ઉપયોગ અવાંછિત તત્વો દ્વારા થવો ન જોઈએ. ત્યારે મોદીએ કહ્યું હતું કે, ”ભારત-નેપાળ જેવી મૈત્રીનો દુનિયામાં કોઈ જોટો મળે તેમ નથી. આપણે બંને એકબીજાનાં સુખ, દુ:ખના સાથીઓ છીએ.”