વિઠોબાના લાખો ભક્તો તીર્થ સ્થાનમાં ઉમટ્યા
1 હજારથી વધુ પાલખીઓ સાથે વારકરીઓ કિર્તનની રમઝટ બોલાવતા પહોંચ્યા
મુંબઇ : અષાઢી એકાદશી નિમિત્તે રાજ્યના ખૂણે ખૂણેથી પંઢરપુર પહોંચી રહેલા લાખો વારકરીઓના ભજન- કિર્તન અને ટાળ-મૃદંગના નાદથી તીર્થસ્થાન ધમધમી ઉઠયું છે. વિઠ્ઠલ- રૃકિમણીના દર્શનાર્થે સેંકડો પાલખીઓ સાથે ઉમટી રહેલા વારકરીઓને પ્રસાદ આપવા માટે ૧૬ લાખ લાડુ વાળવામાં આવી રહ્યા છે.
આવતી કાલે અષાઢી એકાદશી નિમિત્તે પ્રસાદ રૃપે પાંચ લાખ લાડુનો પ્રસાદ આપવામાં આવશે. પછી હજી થોડા દિવસ ભક્તોનો પ્રવાહ ચાલુ રહેવાનો હોવાથી એકંદર ૧૬ લાખ રાજગરાના લાડુ બનાવવામાં આવશે. આજે ૧૧ લાખ લાડુ તૈયાર થઇ ગયા છે એમ મંદિર સમિતિના વ્યવસ્થાપકે જણાવ્યું હતું.
અષાઢી વારી (યાત્રા)માં લગભગ એક હજારથી વધુ પાલખીઓ સાથે લાખો વારકરીઓ પંઢરપુર પહોંચ્યા છે. ધસમસતી ચંદ્રભાગા નદીને કાંઠે ઠેર ઠેર બંધાયેલા તંબૂ અને શમિયાણાને લીધે દૂરથી કુંભમેળા જેવું દ્રશ્ય જોવા મળે છે. સોલાપુર અને અન્ય શહેરોમાંથી બંદોબસ્ત માટે વધુ પોલીસ કુમક મોકલવામાં આવી છે. મહારાષ્ટ્ર એસ.ટી. તરફથી સ્પેશ્યલ બસો દોડાવવામાં આવી રહી છે.
અષાઢી નિમિત્તે દાદર વડાલામાં ટ્રાફિકમાં ફેરફાર
વડાલામાં પ્રતિપંઢરપુર તરીકે ઓળખાતા પ્રાચીન વિઠ્ઠલ મંદિરમાં આવતી કાલે અષાઢી એકાદશી નિમિત્તે થનારી ભીડને લીધે ટ્રાફિક પોલીસ તરફથી વાહનોનું નિયમન કરવામાં આવશે. મંગળવારે સાંજથી ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધી ટ્રાફિક વ્યવસ્થામાં કરવામાં આવેલો ફેરફાર અમલમાં રહેશે.
પ્રતિપંઢરપુર વડાલાના વિઠ્ઠલ મંદિરમાં ઉમટશે ભક્તોની ભારે ભીડ
આ ફેરફાર અંતર્ગત દાદર ટી.ટી.થી કાત્રક રોડ સુઝી તિલક રોડનો ટ્રાફિક બંધ રહેશે. આ વાહનોને દાદર ટીટીથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ પરથી ઉત્તર દિશામાં રૃઇયા કોલેજના રસ્તે વાળવામાં આવશે.
મંચેરજી જોશી રોડ અને જામ-એ-જમશેદ રોડ આ ફાઇવ ગાર્ડન જંક્શનથી તિલક જંક્શન વચ્ચે ઉત્તરથી દક્ષિણ તરફનો ટ્રાફિક બંધ રાખવામાં આવશે. કાત્રક રોડ પર ડેવિડ બેરેટો સર્કલથી જી.ડી. આંબેડકર માર્ગ અને તિલક રોડ જંક્શન સુધીના ભાગમાં વાહન- વ્યવહાર બંધ રાખવામાં આવશે. સરફરે ચોકથી ઉત્તર દિશામાં જવા માટે જી.ડી. આંબેડકર રોડ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે.