– ભાવનગરમાં નાણાંકીય વર્ષ 2023-24 નું કુલ વેટ કલેક્શન રૂ. 48.52 કરોડ થયું હતું
– જાન્યુઆરીથી જુનના 6 મહિનાના સમયગાળામાં પરમિટવાળા દારૂના વેચાણ પર રૂ. 75.97લાખ અને પેટ્રોલ-ડીઝલ પર રૂ.24.56 કરોડનું વેટ કલેક્શન
વર્ષ-૨૦૧૭થી અમલી થયેલા વસ્તુ અને સેવા કર (જી.એસ.ટી.)માંથી પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂને બાકાત રાખવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂને જીએસટીમાં સમાવી લેવાની માંગણી વચ્ચે આ ત્રણેય વસ્તૂઓના વેચાણ પર સરકાર વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) વસૂલે છે. ભાવનગરમાં વધી રહેલા જીએસટી કલેક્શન વચ્ચે વેટના માધ્યમથી પણ સરકાર સારી એવી કમાણી કરી રહી છે. જાન્યુઆરી-૨૦૨૪થી જુન-૨૦૨૪ના છેલ્લા ૬ માસના સમયગાળામમાં સ્ટેટ જીએસટીના માધ્યમથી પેટ્રોલ અને ડિઝલના વેચાણ પર સરકારે રૂ.૨૪.૫૬ કરોડનું વેટ કલેક્શન કર્યું છે. તેમજ આ જ સમયગાળા દરમિયાન પરમિટવાળા દારૂ પર કુલ રૂ.૭૫.૯૮ લાખનું વેટ કલેક્શન કર્યું છે. આમ છેલ્લા ૬ મહિનામાં સ્ટેટ જીએસટીના માધ્યમથી પેટ્રોલ અને ડિઝલ તથા પરમિટવાળા દારૂના વેચાણ પર કુલ રૂ.૨૫.૩૫ કરોડનું વેટ કલેક્શન કર્યું છે. આમ, જીએસટીની સાથે સાથે વેટના માધ્યમથી પણ ભાવનગરીઓ સરકારની તિજોરી ભરી રહ્યાં છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં પરમિટવાળા દારૂના વેચાણથી સરકારે રૂ.૪ કરોડથી વધારેની કમાણી કરી છે. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧.૨૮ કરોડ, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ રૂ. ૧.૫ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧.૪૯ કરોડ મળી કુલ રૂ.૪.૨૭ કરોડનું વેટ કલેક્શન પરમિટવાળા દારૂના વેચાણ પર થયું છે. પરમિટવાળા દારૂનું વેચાણ કરતા કુલ ત્રણ અધિકૃત સેન્ટરો છે. જેમાં ભાવનગરમાં બે અને અમરેલીમાં એક છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભાવનગરમાં સ્ટેટ જીએસટીના માધ્યમથી રૂ.૪૮.૮૨ કરોડનું વેટ કલેક્શન થયું છે.