વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવના કાર્યકાળમાં અધ્યાપકની એક માત્ર કાયમી નિમણૂંક યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેયી ફોરેન પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં થઈ છે અને તેને લઈને પણ મોટો વિવાદ સર્જાયો છે.
અન્ય ફેકલ્ટીઓમાં અધ્યાપકોની કાયમી જગ્યાઓ ખાલી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ઈન્સ્ટિટયુટમાં પ્રોફેસરની પોસ્ટ ભરવા માટે સત્તાધીશોએ જાહેરાત બહાર પાડતા આશ્ચર્ય સર્જાયુ હતુ.સત્તાધીશોએ આ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ પણ યોજયા હતા અને ઉમેદવારનુ સિલેક્શન પણ કરી લીધુ હતુ.તેમને મંગળવારે એપોઈન્ટમેન્ટ ઓર્ડર અપાયો હતો.એ પછી ઉમેદવારે આર્ટસ ફેકલ્ટીની મુલાકાત પણ લીધી હતી.જોકે આ પોસ્ટ માટે પસંદ થયેલા ડો.યોગેશ ગોખલે બોટની અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે અને તેમણે પીએચડી પણ બોટની વિષયમાં કર્યુ હોવાથી તેમની પસંદગીને લઈને ઘણા અધ્યાપકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે.
અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, ફોરેન પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટની સ્થાપના જ વિદેશી મુદ્દાઓના અભ્યાસ, રાજદ્વારી સબંધો અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર રિસર્ચ કરવા માટે થઈ છે ત્યારે ખરેખર તો પસંદ થયેલા ઉમેદવાર પોલિટિકલ સાયન્સ, ઈન્ટરનેશનલ રિલેશન્સ અને પબ્લિકન રિલેશન્સ કે પછી ઈકોનોમિક્સ કે હિસ્ટ્રી જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તે ઈચ્છનીય છે. સત્તાધીશોએ તો પર્યાવરણ અને બોટનીના નિષ્ણાતને ઉપરોક્ત જગ્યા પર મૂકીને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ભણાવતા અધ્યાપકને કોમર્સમાં એકાઉન્ટ વિષયની નિમણૂંક આપવા જેવુ કામ કર્યુ છે.
મળતી માહિતી પ્રમાણે પ્રોફેસર તરીકે પસંદ થયેલા ડો.ગોખલે દિલ્હીની ટેરી(ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટિટયુટ)ના સેન્ટર ફોર ફોરેસ્ટ મેનેજમેન્ટના એસોસિએટ ડાયરેકટર છે અને પર્યાવરણ વિષયમાં વ્યાપક રિસર્ચ તેમણે કર્યુ છે.ટેરીની વેબસાઈટ પર ઉપલબ્ધ તેમના બાયોડેટા પ્રમાણે તેમણે બોટની વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે અને એ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં બાયોડાયવર્સિટી ક્ષેત્રમાં કામ કર્યુ છે.આ મુદ્દે જ્યારે પીઆરઓ(ઓએસડી)ને પૂછવામાં આવ્યુ તો તેમણે આ અંગે કોઈ જાણકારી નહીં હોવાનો જવાબ આપ્યો હતો અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.
કોમર્સમાં થયેલી નિયુક્તિની સરકારે તપાસ સોંપી છે
ફોરેન પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં પ્રોફેસરની નિમણૂંક એવા સમયે થઈ છે જ્યારે સરકારે આ જ પ્રકારની નિમણૂંક સામે થયેલી ફરિયાદ બાદ તપાસનો આદેશ આપેલો છે.ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીમાં ૨૦૧૯માં કોમર્સ એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં બીઈ અને બીએસસી થયેલા ઉમેદવારોની નિમણૂંક કરી હતી.તેની સામે વિભાગના તત્કાલિન ડીને સરકારમાં ફરિયાદ કરી હતી અને આ મામલાની તપાસ માટે તાજેતરમાં જ સરકારે આદેશ આપ્યો છે.
ચીનના રાજકારણ અને ઈતિહાસના અભ્યાસુ તેમજ
પૂર્વ આઈએએસ અધિકારી શક્તિ સિંહા પહેલા ડાયરેકટર બન્યા હતા
ફોરેન પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટ સ્થાપવાનુ સૂચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કર્યુ હતુ અને તેના કારણે સરકારે આ ઈન્સ્ટિયુટ માટે કાયમી જગ્યાઓ ફાળવી હતી.ઈન્સ્ટિટયુટના બિલ્ડિંગનુ ઉદઘાટન ૨૦૧૬માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણીએ કર્યુ હતુ.યુનિવર્સિટીની વેબસાઈટ પર દર્શાવાયુ છે કે, આ ઈન્સ્ટિટયુટ વિદેશ નીતિ, સુરક્ષાના વિષયો, ડેવપલમેન્ટ અને પબ્લિક પોલિસી માટે થિન્ક ટેન્ક તરીકે કામ કરશે.ૅજેને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટિટયુટ શરુ થયુ ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ નિવૃત્ત આઈએએસ અધિકારી તેમજ ચીનના ઈતિહાસ તથા રાજકારણમાં સ્પેશ્યલાઈઝેશન કરનારા તથા તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા શક્તિ સિંહાની ઓનરરી ડાયરેકટર તરીકે નિમણૂક કરી હતી.૨૦૨૧માં તેમના નિધન બાદ આ જગ્યા ખાલી પડી છે.જોકે ઈન્સ્ટિટયુટની સ્થાપના થયા બાદ અત્યાર સુધી પ્રોફેસરની પોસ્ટ ખાલી જ હતી અને તેના પર પહેલી વખત નિમણૂંક કરાઈ છે.