વડોદરાઃ આજે અષાઢી સુદ એકાદશીના દિવસે દર વર્ષની પરંપરા પ્રમાણે શહેરના માંડવી ખાતેના પૌરાણિક ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો.ભગવાનના વરઘોડામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ૨૧૫ વર્ષ જૂના આ મંદિરમાં બીરાજમાન ભગવાન વિઠ્ઠલનાથજીની મૂર્તિને સવારે ૯ વાગ્યે ચાંદીની પાલખીમાં પધરાવવામાં આવી હતી.ભગવાનના જયજયકાર વચ્ચે અને વિઠ્ઠલ..વિઠ્ઠલ ..વિઠ્ઠલાની ધૂન વચ્ચે વડોદરાના રાજવી પરિવારે ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને એ બાદ વરઘોડાની શરુઆત થઈ હતી.ભજન મંડળી અને બેન્ડવાજા સાથે મોટી સંખ્યામાં ભાવિકો વરઘોડામાં જોડાયા હતા.
વરઘોડો ન્યાયમંદિર, જ્યુબેલીબાગ, રાવપુરા ટાવર થઈને કીર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા કેદારેશ્વર મહાદેવ ખાતે પહોંચ્યો હતો.વરઘોડાના રુટ પર પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.બપોરે ૧૨- ૩૦ વાગ્યે આ મંદિરમાં પૂજન અર્ચન અને આરતી બાદ વરઘોડો ફરી વિઠ્ઠલનાથજીના મંદિર ખાતે પરત આવ્યો હતો.મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને વરઘોડો બે કલાક વહેલો મંદિર ખાતે પાછો ફર્યો હતો.
મંદિરમાં આજે સેંકડો ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા હતા.મંદિર રાત્રે આઠ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ.