Image Envato
Children Vaccination Report: દેશમાં બાળકોના રસીકરણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષ 2023માં 16 લાખ બાળકોને કોઈ રસી આપવામાં આવી નથી. UNICEF અને WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાઈજીરિયા બાદ ભારત એક એવો બીજો દેશ છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં બાળકોને રસી આપવામાં આવી નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ભારતમાં વર્ષ 2021ની તુલનાએ 2023માં બાળકોને રસી અપાવવા બાબતે સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ સંતોષકારક નથી.
ઝીરો-ડોઝ રસી ધરાવતા દેશો
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં વર્ષ 2021માં 27.3 લાખ બાળકોને રસી આપવામાં આવી નથી આવી. જે 2023માં ઘટીને 16 લાખ થઈ છે. ભારત પછી 2023 માં ઝીરો -ડોઝ રસીવાળા દેશોમાં ઇથોપિયા, કોંગો, સુદાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ટોચના 20 દેશોમાં ચીન 18મા અને પાકિસ્તાન 10માં નંબરે છે.
લાખો બાળકોને નથી મળી પહેલી રસી
WHO અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2023 માં ભારતમાં ઓરીને કન્ટ્રોલ કરવાની રસી (MCV 1) નો પ્રથમ ડોઝ ન લગાવ્યો હોય તેવા બાળકોની સંખ્યા લગભગ 16 લાખ હતી. અગાઉ વર્ષ 2022માં 11 લાખ બાળકોને રસી આપવામાં આવી નથી આવી. જેના કારણે ભારત એવા 10 દેશોમાં સામેલ થઈ ગયો છે, જ્યાં મોટાભાગના બાળકોને પ્રથમ રસી મળી નથી.
કેમ ચિંતાનો વિષય છે
WHOએ મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને તમામ પ્રયાસોને મજબૂત કરવાની અપીલ કરી હતી. જેથી બાળકોને રસી આપી શકાય. નિષ્ણાતોના કહેવા પ્રમાણે રસીકરણથી વંચિત અને ઓછા રસીકરણવાળા બાળકોની વધતી સંખ્યા પર તાત્કાલિક એકશન લેવાની જરૂર છે. ક્યાં ભૂલ થઈ રહી છે, તે શોધવાની જરૂર છે.
ભારતમાં ‘ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ દ્વારા બાળકોને 12 અલગ-અલગ રસીઓ મફતમાં આપવામાં આવે છે. જેમા બીસીજી, ઓપીવી, હેપેટાઈટીસ બી, પેન્ટાવેલેન્ટ, રોટાવાઈરસ વેક્સીન, ડીપીટી અને ટીટી જેવી રસીઓ મફતમાં આપવામાં આવે છે.