– પ્રવાસી શિક્ષક યોજના બંધ થઈ છે ત્યારે
– નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો હોવા છતાં ઘણી શાળાઓમાં વિષય શિક્ષકોનો તુટો
ગુજરાત સરકારે ગત વર્ષે ટાટ ટેટ પાસ શિક્ષકોને રોજગારી ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોને ઉપલબ્ધ કરાવવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએથી થઈ રહ્યું છે અને ઘણી બધી શાળાઓને આ પ્રકારના જ્ઞાન સહાયકો ઉપલબ્ધ થયાં છે. તેથી શાળા શિક્ષણ રફતાર પર ચાલી રહ્યું છે. પરંતુ જે યોજનાઓ કરવામાં આવે છે તે યોજનાઓ સંપૂર્ણ તર્ક બધ્ધ અને પરિપક્વ હોતી નથી. તેથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા વગેરે વિષયોના શિક્ષકો જ્ઞાાન સહાયક તરીકે ઉપલબ્ધ થયા નથી. તેથી તેવી જગ્યાઓ પર અત્યારે જ્ઞાન સહાયકો નથી તેને કારણે આવી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. હાલ ભાવનગરમાં માધ્યમિક શાળામાં ૧૬૩ જ્ઞાન સહાયકો ફરજ પર શરૂ છે અને ૫૧ જગ્યા ખાલી છે તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૧૨૦ જ્ઞાન સહાયકો છે અને વિવિધ વિષયમાં ૧૩૯ જગ્યાઓ ખાલી હોવાનું જણાયું છે.
સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવતાં પ્રવાસી શિક્ષકોની યોજના રાજ્ય સરકારે બંધ કરતા હવે આ ખાલી રહેલી જ્ઞાાન સહાયકની જગ્યા પર કોઈ શિક્ષકને ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. તો ઊંડાણની અને દુર્ગમ વિસ્તારમાં ખાલી જગ્યાઓ ધરાવતી શાળાઓ તેનાથી મુસ્કેલી અનુભવી રહી છે. જેથી ખુટતી જ્ઞાન સહાયકની જગ્યાઓ તાકીદે ભરવા અન્યથા પ્રવાસીની પરવાનગી આપવા માંગણી ઉઠવા પામી છે.