Ahmedabad Makarba Lake : અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા મકરબા તળાવમાંથી આજે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તળાવમાં મૃતદેહ જોનાર એક રાહદારીએ ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
રાહદારીએ લાશ તરતી જોઈ તુરંત પોલીસને ફોન કર્યો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તળાવમાંથી મળેલો મૃતક વ્યક્તિ કોણ છે, તેની માહિતી હજુ સામે આવી નથી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. નામ જાહેર ન કરવાની સરતે એક રાહદારીએ ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું કે, તે જ્યારે તળાવની પાસે સાઈકલ ઉભી રાખીને ઉભો રહ્યો હતો, ત્યારે તેણે તળાવમાં લાશ તરતી જોઈ હતી. મેં સાંજે 4.00 કલાકે લાશ જોયા બાદ તુરંત પોલીસને ફોન કર્યો હતો. હાલ પોલીસે મોત અંગે તપાસ શરૂ કરી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.